1. Home
  2. ગુજરાતી
  3. અવકાશમાં ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત: ISROએ અંતરિક્ષમાં 2 સ્પેસક્રાફ્ટ જોડ્યાં
અવકાશમાં ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત: ISROએ અંતરિક્ષમાં 2 સ્પેસક્રાફ્ટ જોડ્યાં

અવકાશમાં ડોકિંગ કરનાર ચોથો દેશ બન્યો ભારત: ISROએ અંતરિક્ષમાં 2 સ્પેસક્રાફ્ટ જોડ્યાં

0
Social Share

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગુરુવારે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ISRO એ SpaDex (સ્પેસ ડોકિંગ એક્સરસાઇઝ) મિશન હેઠળ બે ઉપગ્રહોને ડોક કરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત આ સિદ્ધિ મેળવનાર ચોથો દેશ બની ગયો છે. ISROએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં ગૌરવ અનુભવતા કહ્યું કે, “બે ઉપગ્રહો પર નિયંત્રણ સ્થાપિત કરવાની પ્રક્રિયા પણ સફળ રહી. આગામી દિવસોમાં અનડોકિંગ અને પાવર ટ્રાન્સફર હાથ ધરવામાં આવશે.”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘X’ પર એક પોસ્ટમાં આ સિદ્ધિ માટે વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, “અમારા ISRO વૈજ્ઞાનિકો અને સમગ્ર અવકાશ સમુદાયને અવકાશમાં ઉપગ્રહોના ‘ડોકિંગ’ના સફળ નિદર્શન માટે અભિનંદન. આવનારા વર્ષોમાં ભારતના મહત્વકાંક્ષી સ્પેસ મિશન માટે આ એક મહત્વપૂર્ણ પગલું છે.

અગાઉ ઈસરોએ બે વખત ડોકીંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટેકનિકલ સમસ્યાઓના કારણે 7 અને 9 જાન્યુઆરીએ તે શક્ય બન્યું ન હતું. 12 જાન્યુઆરીએ ઈસરોએ સેટેલાઈટને 15 મીટર અને 3 મીટરના અંતરે લાવવામાં સફળતા મેળવી હતી. ઈસરોએ કહ્યું હતું કે, “15 મીટર અને પછી 3 મીટર સુધીનું અંતર સફળતાપૂર્વક નક્કી કરવામાં આવ્યું છે. આ પછી ઉપગ્રહોને સુરક્ષિત અંતર પર લઈ જવામાં આવ્યા છે. ડેટાનું વિશ્લેષણ કર્યા પછી ડોકીંગ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.”

SpaDeX મિશનનું મહત્વ: SpaDeX મિશન 30 ડિસેમ્બર, 2024ના રોજ ISRO દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. આમાં, બે નાના ઉપગ્રહો – SDX01 (ચેઝર) અને SDX02 (ટાર્ગેટ) – પૃથ્વીની નીચી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યા હતા. આ મિશનનો ઉદ્દેશ્ય ભારતીય અવકાશ કાર્યક્રમ માટે ડોકીંગ ટેકનોલોજીનું પ્રદર્શન કરવાનો છે. ચંદ્રયાન-4 જેવા મિશનમાં ડોકીંગ ટેક્નોલોજીની જરૂર પડશે, જેમાં ચંદ્ર પરથી સેમ્પલ લાવીને પૃથ્વી પર પાછા ફરવાના રહેશે. આ ઉપરાંત, આ ટેક્નોલોજી ભારતના સ્પેસ સ્ટેશન “ઇન્ડિયન સ્પેસ સ્ટેશન” ની સ્થાપના માટે પણ મહત્વપૂર્ણ રહેશે, જેને 2028 સુધીમાં લોન્ચ કરવાની યોજના છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code