નવી દિલ્હીઃ ભારતીય સેનાએ હિમાલયના હજારો ફૂટ ઊંચા,બર્ફીલા અને મુશ્કેલ પ્રદેશોમાં સૈન્ય પુરવઠાની સમસ્યા હલ કરવા માટે એક મહત્ત્વપૂર્ણ ટેક્નોલોજીકલ નવીનતા દર્શાવી છે. આર્મીના ગજરાજ કોર્પ્સ દ્વારા 16,000 ફૂટની ઊંચાઈ પર કાર્યરત થઈ શકે તેવી સ્વદેશી હાઇ-એલ્ટિટ્યુડ મોનોરેલ સિસ્ટમ વિકસાવવામાં આવી છે.આ સિસ્ટમ ખાસ કરીને કામેંગ હિમાલય જેવા વિસ્તારોમાં, જ્યાં ઊંચાઈ અને અણધારી હવામાનને કારણે સપ્લાય રૂટ અવરોધાય છે, ત્યાં ફોરવર્ડ લશ્કરી પોસ્ટ્સ માટે જીવનરેખા સાબિત થશે.આ અનોખી મોનોરેલ સિસ્ટમ એક સમયે 300 કિલોગ્રામથી વધુ વજન વહન કરી શકે છે. તે શસ્ત્રો, દારૂગોળો, રાશન, બળતણ અને ભારે સાધનો સહિત આવશ્યક પુરવઠો પહોંચાડી શકે છે.
સેનાના જણાવ્યા અનુસાર,આ સિસ્ટમ કરા,હિમવર્ષા અને તોફાન સહિત તમામ હવામાન પરિસ્થિતિઓમાં દિવસ-રાત સુરક્ષિત રીતે કાર્ય કરવા સક્ષમ છે.લોજિસ્ટિક્સ ઉપરાંત, જ્યાં હેલિકોપ્ટર ઉડાન ભરી શકતા નથી ત્યાં ઘાયલ સૈનિકોને તાત્કાલિક તબીબી સહાય માટે સુરક્ષિત રીતે સ્થળાંતર (Evacuation) કરવાની નવી શક્યતાઓ પણ પૂરી પાડે છે.ગજરાજ કોર્પ્સ દ્વારા વિકસિત આ ઇન-હાઉસ ટેક્નોલોજીકલ સિદ્ધિ ભારતીય સેનાની ઓપરેશનલ તૈયારીમાં વધારો કરે છે અને પડકારરૂપ સમસ્યાઓના વ્યવહારુ ઉકેલો શોધવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.


