 
                                    અમેરિકન ટ્રેડ ટેરિફની જાહેરાત બાદ ભારતીય શેર બજારમાં કટાડો, બીએસઈમાં 500પોઈન્ટનો ઘટાડો
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય નિકાસ પર 25 ટકા શુલ્ક લગાવવાની જાહેરાત બાદ ગુરુવારના રોજ ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું. સવારના 9:27 વાગ્યે સેન્સેક્સ 487 પોઇન્ટ અથવા 0.60 ટકા ઘટીને 80,994 અને નિફ્ટી 140 પોઇન્ટ અથવા 0.57 ટકા ઘટીને 24,717 પર ટ્રેડ કરી રહ્યો હતો. મિડકૅપ અને સ્મોલકૅપ શેરોમાં પણ વેચવાલીનો દબાણ જોવા મળ્યો હતો. નિફ્ટી મિડકૅપ 100 ઈન્ડેક્સ 457 પોઇન્ટ અથવા 0.79% ઘટીને 57,484 અને નિફ્ટી સ્મોલકૅપ 100 ઈન્ડેક્સ 100 પોઇન્ટ અથવા 0.55% ઘટીને 18,037 પર પહોંચ્યો હતો.
જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડના મુખ્ય રોકાણ વ્યૂહકાર ડૉ. વી.કે. વિજયકુમારે જણાવ્યું કે, “રોકાણકારો માટે આ સમજવું જરૂરી છે કે ઑગસ્ટના મધ્યમાં શરૂ થનારી ચર્ચાઓ બાદ આ 25% ટેરિફ ઘટાડી દેવામાં આવશે. ભારત પર લાગેલુ ટેરિફ અન્ય દેશો સાથેના વ્યાપાર કરારો કરતાં વધુ છે.” તેમણે વધુમાં જણાવ્યું કે, “આ ટ્રમ્પની વ્યૂહરચનાનો ભાગ છે, જેના થકી ભારત પાસેથી અન્ય ક્ષેત્રોમાં વધુ સારા કરારો કરી શકાય. લાંબા ગાળે ટેરિફ દર લગભગ 20% અથવા તેનાથી પણ ઓછો થઈ શકે છે.”
તેમણે ઉમેરીને કહ્યું કે, “નિફ્ટી 24,500ના સપોર્ટ લેવલ નીચે જવાની શક્યતા ઓછી છે. રોકાણકારોએ ઘરેલુ અર્થતંત્રથી જોડાયેલા ક્ષેત્રો જેમ કે ખાનગી બેંકો, ટેલિકોમ, કેપિટલ ગુડ્સ, સિમેન્ટ, હોટેલ અને પસંદગીના ઓટો શેરોમાં ઘટાડા દરમિયાન ખરીદી કરવી જોઈએ.”
સવારના બધા મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાનમાં હતા. ઓટો, એનર્જી, ફાર્મા, પીએસયુ બેંક, ફાઇનાન્સિયલ સર્વિસીસ, મેટલ, રિયલ્ટી અને પીએસઈ ક્ષેત્રોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો.
સેન્સેક્સના ટોપ લૂઝર્સ: એમએન્ડએમ, ભારતી એરટેલ, રિલાયન્સ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, ટાઇટન, એસબીઆઈ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક, ટ્રેન્ટ, એલએન્ડટી, એચડીએફસી બેંક અને એનટિપીસી.
ટોપ ગેઈનર્સ: પાવર ગ્રિડ, ટાટા સ્ટીલ, ઈટીસી, ઈટીસી અને એચયુએલ.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ (એફઆઈઆઈ) 30 જુલાઈએ સતત આઠમા દિવસે વેચવાલી ચાલુ રાખી હતી અને 850 કરોડના શેરો વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ (ડીઆઈઆઈ) 18મા દિવસે ખરીદી ચાલુ રાખી હતી અને 1,829 કરોડના શેર ખરીદ્યા હતા.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

