પાકિસ્તાનની સરહદ પાસે ભારતનો સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ની શરૂઆત
નવી દિલ્હી: ભારતે આજે ગુરુવારથી પાકિસ્તાનની સરહદની નજીક તેના અત્યાર સુધીના સૌથી મોટા સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘ત્રિશૂલ’ ની શરૂઆત કરી છે. આ ટ્રાઈ-સર્વિસ (આર્મી, નૌસેના અને વાયુસેના) અભ્યાસ 10 નવેમ્બર સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, 3 નવેમ્બરથી આ અભ્યાસ તેની વાસ્તવિક ગતિ પકડશે. આ ‘ઓપરેશન સિંદૂર’ પછીનો ભારતનો પ્રથમ મોટો સૈન્ય અભ્યાસ છે. ત્રિશૂલ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે, ભારત તેની સરહદોની રક્ષા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે, અને જો જરૂર પડે તો ઓપરેશન સિંદૂર જ્યાં બંધ થયું હતું ત્યાંથી ફરી શરૂ કરી શકે છે.
ભારતીય સેનાના અભ્યાસનું આયોજન ગુજરાત અને રાજસ્થાનમાં થઈ રહ્યું છે, જેમાં ખાસ ફોકસ કચ્છ વિસ્તાર પર છે, જે છેલ્લા કેટલાક અઠવાડિયામાં ભારત-પાકિસ્તાન વચ્ચેના સંભવિત નવા તણાવના બિંદુ તરીકે ઉભર્યો છે. તાજેતરમાં રક્ષા પ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, જો તે ગુજરાતના સર ક્રીક વિસ્તારમાં ભારતની જમીન પર કબજો કરવાની કોશિશ કરશે, તો “જવાબ એવો મળશે કે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે.” માહિતી મુજબ, પાકિસ્તાને સર ક્રીક વિસ્તારમાં નવી સૈન્ય ચોકીઓ, બંકર, રડાર અને ડ્રોન લોન્ચ બેઝ તૈયાર કર્યા છે, જેના પર ભારતની ગુપ્તચર એજન્સીઓ સતત નજર રાખી રહી છે.
ત્રિશૂલમાં ભારતની ત્રણેય સેનાઓના સૌથી અદ્યતન હથિયાર અને કમાન્ડો યુનિટ્સ ભાગ લઈ રહ્યા છે. આ અભ્યાસમાં પેરા SF, માર્કોસ (MARCOS) અને ગરુડ કમાન્ડો ફોર્સ પણ ભાગ લઈ રહી છે.
આર્મી: ટી-90 ટાંકો, બ્રહ્મોસ મિસાઈલ યુનિટ્સ અને આકાશ એર ડિફેન્સ સિસ્ટમ
વાયુસેના: રાફેલ અને સુખોઈ-30 જેટ્સ, સાથે સી ગાર્ડિયન અને હેરોન ડ્રોન
નૌસેના: કોલકાતા-ક્લાસ ડિસ્ટ્રોયર, નિલગિરી-ક્લાસ ફ્રિગેટ્સ અને ઝડપી હુમલા કરવા સક્ષમ જહાજો
ભારતના આ મોટા સૈન્ય અભ્યાસની શરૂઆત પહેલા જ ઇસ્લામાબાદમાં ચહલપહલ મચી ગઈ છે. પાકિસ્તાને પોતાના હવાઈ ક્ષેત્રના ઘણા ભાગો બંધ કરી દીધા છે. તેની એવિએશન ઓથોરિટીએ NOTAM જાહેર કરીને મધ્ય અને દક્ષિણ હવાઈ માર્ગો પર 48 કલાકની ઉડાન પ્રતિબંધ લગાવી દીધા છે. બાદમાં તેણે પોતાના મોટા ભાગના હવાઈ ક્ષેત્રને પ્રતિબંધિત કરી દીધા, જે તેની ચિંતાનો સ્પષ્ટ સંકેત છે.
‘ત્રિશૂલ’ માત્ર સૈન્ય અભ્યાસ નથી, પરંતુ એ એક રણનીતિક સંદેશ છે કે ભારત હવે પોતાની સુરક્ષા અને સરહદોની અખંડિતતા અંગે કોઈપણ પડકાર માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ અભ્યાસ પાકિસ્તાનને ચેતવણી આપવાનો તેમજ ભારતીય સેનાઓની ‘પોસ્ટ-સિંદૂર’ યુદ્ધ તૈયારીનું મૂલ્યાંકન કરવાનો પ્રયાસ છે.


