
પડોશી દેશો સાથેના સંબંધો મામલે ભારતનું ભાગ્ય સારું નથી : રક્ષામંત્રી રાજનાથસિંહ
નવી દિલ્હી : દેશની સુરક્ષા માત્ર સરહદે લડાયેલા યુદ્ધોથી નક્કી થતી નથી, પરંતુ સમગ્ર રાષ્ટ્રના સંકલ્પ અને એકતાથી નક્કી થાય છે, એમ રક્ષા પ્રધાન રાજનાથસિંહે કહ્યું હતું. 1965ના ભારત-પાક યુદ્ધના દિગ્ગજ જવાનો સાથેની મુલાકાત દરમિયાન તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે “ભારત પડોશી દેશો સાથેના સંબંધોમાં ભાગ્યશાળી રહ્યું નથી, પરંતુ અમે કદી તેને નિયતિ માની નથી. અમે પોતાની નિયતિ સ્વયં ઘડી છે.”
રક્ષણપ્રધાને આગળ જણાવ્યું કે પેહલગામની ભયાનક ઘટનાઓ અમે ભૂલ્યા નથી. તેને યાદ કરતાં હૃદય ભારભરેલું બની જાય છે અને મન ક્રોધથી છલકાય છે. પરંતુ તે ઘટનાએ આપણા મનોબળને કદી ન તોડ્યું. “પ્રધાનમંત્રીએ આતંકવાદીઓને એવો પાઠ શીખવવાનો સંકલ્પ લીધો જેની તેમણે કલ્પના પણ ન કરી હશે. અમે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું અને દુશ્મનોને બતાવી દીધું કે આપણા સંકલ્પની શક્તિ કેટલી મજબૂત છે,” એમ રાજનાથસિંહે ઉમેર્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કોઈપણ યુદ્ધ માત્ર મેદાનમાં જ લડાતું નથી, પરંતુ વિજય આખા રાષ્ટ્રના સામૂહિક સંકલ્પનું પ્રતિબિંબ હોય છે. 1965ના કપરા સમયને યાદ કરતાં તેમણે કહ્યું કે તે સમયે દેશમાં ચારેકોર અનિશ્ચિતતા હતી, છતાં દેશે લાલ બહાદુર શાસ્ત્રીના દૃઢ નેતૃત્વ હેઠળ તમામ પડકારોને ટક્કર આપી.
રાજનાથસિંહે કહ્યું કે શાસ્ત્રીજી એ સમયે માત્ર નિર્ણાયક રાજકીય નેતૃત્વ જ આપ્યું નહોતું, પરંતુ સમગ્ર રાષ્ટ્રનો મનોબળ પણ ઊંચાઈ સુધી પહોંચાડ્યો. તેમણે આપેલો નારો “જય જવાન, જય કિસાન” આજે પણ લોકોના હૃદયમાં ગુંજતો રહે છે. આ નારા દ્વારા આપણા બહાદુર જવાનોની સાથે સાથે અન્નદાતાઓને પણ ગૌરવ અપાયું હતું.