
ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે: ઉપરાષ્ટ્રપતિ
નવી દિલ્હીઃ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે કે ભારતનો ઇશાન પ્રદેશ એ દેશનું હૃદય અને આત્મા છે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી ધનખડે આજે કહ્યું કે ઉત્તર-પૂર્વ એ માત્ર ભૌગોલિક પ્રદેશ નથી પરંતુ સંસ્કૃતિ, પરંપરા અને કુદરતી સૌંદર્યનું જીવંત ચિત્ર છે જે ભારતના સારને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રદેશના સમૃદ્ધ આધ્યાત્મિક અને કુદરતી વારસાની નોંધ લીધી. તેમણે તેની જીવંત સંસ્કૃતિ, વિશિષ્ટ ખોરાક અને તેના લોકોની ઊર્જાની પ્રશંસા કરી.
ધનખડે આસામીને તાજેતરમાં શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા આપવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આ માન્યતા હકારાત્મકતાનો સંચાર કરે છે. તે રાષ્ટ્રની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને વિવિધતાને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડે મીડિયાને ઉત્તર પૂર્વના રાજદૂત બનવા વિનંતી કરી.તેમણે મીડિયા કર્મીઓને પ્રવાસન અને વિકાસમાં પ્રદેશની સંભવિતતા શોધવાની પણ અપીલ કરી હતી.