
પણજીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વર્ષે પણ દીવાળીનો પવિત્ર તહેવાર સશસ્ત્ર દળોના જવાનો વચ્ચે ઉજવીને પરંપરા જાળવી રાખી છે. તેઓ ગોવા અને કારવારના દરિયા કિનારે આવેલ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફ્ટ કેરિયર આઈએનએસ વિક્રાંત પર પહોંચ્યા હતા અને નૌસેનાના જવાનોને સંબોધિત કર્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ અદ્ભુત છે, આ દૃશ્ય અવસ્મરણીય છે. એક તરફ સમુદ્રનો અનંત વિસ્તાર છે અને બીજી તરફ મા ભારતીના વીરસંતાનોની અદમ્ય શક્તિ. સમુદ્ર પર સૂર્યની કિરણોની ચમક જવાનો દ્વારા પ્રજ્વલિત દીયાઓ જેવી લાગણી આપે છે.”
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આઈએનએસ વિક્રાંત આત્મનિર્ભર ભારતનું પ્રતિક છે. “દરેક વ્યક્તિને દીવાળી પોતાના પરિવાર સાથે ઉજવવાની ઈચ્છા હોય છે. મને પણ મારા પરિવાર સાથે દીવાળી મનાવવાની આદત પડી ગઈ છે અને તેથી જ હું મારા પરિવાર સમાન જવાનોની વચ્ચે આવી ગયો છું,” એમ મોદીએ કહ્યું હતું. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે આઈએનએસ વિક્રાંતને દેશને સમર્પિત કરવામાં આવી રહ્યો હતો, ત્યારે તેમણે કહ્યું હતું કે “વિક્રાંત વિશાળ છે, વિરાટ છે, વિહંગમ છે, વિશિષ્ટ છે, વિશેષ છે. તે માત્ર યુદ્ધપોત નથી, પરંતુ 21મી સદીના ભારતની પ્રતિભા, પરિશ્રમ અને પ્રતિબદ્ધતાનું પ્રતીક છે.”
દીવાળી મનાવતાં મોદીએ કહ્યું, “હું ભાગ્યશાળી છું કે આ પવિત્ર તહેવાર હું નૌસેનાના બહાદુર જવાનોની વચ્ચે ઉજવી રહ્યો છું. વિક્રાંત પર વિતાવેલી રાત અવિસ્મરણીય રહી. જવાનોના ઉત્સાહ અને ઉમંગે મન પ્રફુલ્લિત કરી દીધું. તમે ‘ઑપરેશન સિંદૂર’ પર રચેલા ગીતોમાં જે બહાદુરી વ્યક્ત કરી છે, તે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી.”
પ્રધાનમંત્રીએ આગળ કહ્યું, “ભારતીય નૌસેનાએ જે દહેશત પેદા કરી, વાયુસેનાએ જે કુશળતા બતાવી અને થલસેનાની જાંબાઝી – આ ત્રણેય દળોના સમન્વયથી ‘ઑપરેશન સિંદૂર’માં પાકિસ્તાનને ખૂબ ઝડપથી ઘૂંટણિયે બેસવા મજબૂર થવું પડ્યું. હું આ પવિત્ર વિક્રાંતના ડેક પરથી ત્રણેય સેનાના શૂરવીર જવાનોને સલામ કરું છું.”
મોદીએ જણાવ્યું કે આજે ભારતની ક્ષમતા દુનિયાને ચોંકાવે છે “સરેરાશ દરેક 40 દિવસે સ્વદેશી યુદ્ધપોત અથવા પનડુબી નૌસેનામાં જોડાઈ રહી છે. બ્રહ્મોસ અને આકાશ જેવી સ્વદેશી મિસાઇલોએ પોતાની શક્તિ સાબિત કરી છે. અનેક દેશો બ્રહ્મોસ મિસાઇલ ખરીદવા ઈચ્છે છે. ભારત હવે રક્ષા ઉપકરણોના નિકાસમાં ટોચના દેશોમાં સ્થાન મેળવવા પ્રયત્નશીલ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણો ડિફેન્સ એક્સપોર્ટ 30 ગણો વધ્યો છે.”
પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું કે “શક્તિ અને સામર્થ્યનો અમારો પરંપરાગત માર્ગ હંમેશાં માનવતા, વિજ્ઞાન અને સમૃદ્ધિના માર્ગ પર ચાલે છે. આજની આંતરજોડાયેલ દુનિયામાં સમુદ્રી માર્ગો પર વિશ્વની નિર્ભરતા વધી રહી છે, અને હિંદ મહાસાગરમાં નૌસેના તેની સુરક્ષા ચાકચોબંદ રીતે કરી રહી છે.”
મોદીએ જવાનોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, “આ ભવ્ય જહાજો, આકાશને ચીરતા વિમાનો અને સમુદ્રની ઊંડાઈમાં તરતી પનડુબ્બીઓ એ બધું શક્તિશાળી છે, પણ તેને જીવંત બનાવે છે તમારો સાહસ અને સમર્પણ. હું ગઈકાલથી તમારી વચ્ચે છું અને દરેક ક્ષણે કંઈક નવું શીખી રહ્યો છું. તમારી તપસ્યા અને દેશપ્રેમ ખરેખર પ્રેરણાદાયક છે.”