ભૂજ, 8 જાન્યુઆરી 2026: કચ્છના ઐતિહાસિક ગણાતા અને હેરીટેજ એવા ધોળાવીરાનો પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થઈ રહ્યો છે. દેશ-વિદેશના પ્રવાસીઓ ધોળાવીરાની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે ધોળાવીરા ખાતે 10 જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટીતંત્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ભુજ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક યોજાઈ હતી.
ધોળાવીરા ખાતે તા. 10મી જાન્યુઆરીથી યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 18 દેશના 45 પતંગબાજો અને ભારતના 7 રાજ્યોના 23 પતંગબાજો ભાગ લેશે. કલેક્ટર દ્વારા આ પતંગબાજો માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ અંગે વિગતો મેળવીને અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને અનુરૂપ પતંગબાજો માટેના સ્ટોલ, સ્ટેજ અને અન્ય આનુષંગિક વ્યવસ્થાઓના સુચારુ આયોજન અંગે કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. તેમણે સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ, પતંગબાજોનું સન્માન, ફાયર બ્રિગેડ, મોબાઇલ ટોયલેટ, પાર્કિંગ, મેડિકલ ટીમ, પોલીસ વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન સહિતની સુવિધાઓ ઊભી કરવા જણાવ્યું હતું.
આ સમીક્ષા બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર ડી.પી. ચૌહાણ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિ ગોહેલ, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી તેમજ સંબંધિત વિભાગના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


