
જયપુરઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 62મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે મંગળવારે શાનદાર પ્રદર્શન કર્યું અને ચેન્નાઈ સુપર કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. આ રાજસ્થાન રોયલ્સની સિઝનની છેલ્લી મેચ હતી, જેને તેમણે જોરદાર જીત સાથે વિદાય આપી હતી. ચેન્નાઈએ પવામાં આવેલા 188 રનના લક્ષ્યાંકને રાજસ્થાને માત્ર 17.1 ઓવરમાં જ પ્રાપ્ત કરી લીધો હતો.
રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને વૈભવ સૂર્યવંશીએ ઈનિંગની શરૂઆત કરી હતી. બન્નેએ આક્રમક રીતે રન બનાવ્યા. યશસ્વીએ 19 બોલમાં 36 રન બનાવ્યા, જેમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. તેને અંશુલ કંબોજે પેવેલિયન મોકલ્યો હતો. આ પછી, વૈભવ સૂર્યવંશીએ કેપ્ટન સંજુ સેમસન સાથે મળીને ઇનિંગ્સને ગતિ આપી. બંનેએ મળીને 10 ઓવરમાં ટીમનો સ્કોર 95 રનથી વધુ પહોંચાડ્યો.
વૈભવ સૂર્યવંશીએ વિસ્ફોટક બેટિંગ કરી અને માત્ર 27 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી. તેણે ચાર ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા અને કુલ 57 રન બનાવ્યા. તે ૧૪મી ઓવરમાં આઉટ થયો હતો. સંજુ સેમસને પણ 41 રનનું યોગદાન આપ્યું હતું.
ટોપ ઓર્ડર આઉટ થયા પછી, ધ્રુવ જુરેલ અને શિમરોન હેટમાયરએ જવાબદારી સંભાળી અને સંયમથી બેટિંગ કરીને ટીમને વિજય તરફ દોરી ગયા. રાજસ્થાને 18મી ઓવરના પહેલાં જ બોલ પર લક્ષ્ય હાંસલ કરી લીધું. આ જીત સાથે, રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં નવમાં સ્થાને રહ્યું, જ્યારે ચેન્નાઈ છેલ્લા સ્થાને પહોંચી ગયું. ચેન્નાઈ માટે હજુ એક મેચ બાકી છે.
અગાઉ, રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી. બીજી જ ઓવરમાં, યુદ્ધવીર સિંહે ડેવોન કોનવે અને ઉર્વિલ પટેલને સસ્તામાં આઉટ કરીને ચેન્નાઈને શરૂઆતનો આંચકો આપ્યો. જોકે, આયુષ મ્હાત્રેએ આક્રમક બેટિંગ કરી અને 20 બોલમાં 43 રન બનાવ્યા, પરંતુ તે પણ છઠ્ઠી ઓવરમાં આઉટ થઈ ગયો.
રવિચંદ્રન અશ્વિન (13 રન) અને રવિન્દ્ર જાડેજા (1 રન) કરી વહેલા પેવેલિયન પરત ફર્યા. આ પછી, બ્રેવિસ અને શિવમ દુબેએ ઇનિંગ્સની કમાન સંભાળી અને બંનેએ 59 રનની ભાગીદારી કરી. બ્રેવિસે 42 રન બનાવ્યા જ્યારે દુબેએ 39 રન બનાવ્યા.
સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ ધીરજપૂર્વક બેટિંગ કરી અને ૧૬ રન બનાવ્યા, જેમાં તેની T20 કારકિર્દીની ૩૫૦મી છગ્ગાનો સમાવેશ થાય છે, પરંતુ અંતિમ ઓવરમાં તે આઉટ થયો. ચેન્નાઈએ નિર્ધારિત 20 ઓવરમાં 187 રન બનાવ્યા.
રાજસ્થાન ભલે પ્લેઓફની દોડમાંથી બહાર થઈ ગયું હોય, પરંતુ આ જીત સાથે તેણે સિઝનનો ગર્વ સાથે અંત કર્યો. તે જ સમયે, ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે હવે ફક્ત એક જ મેચ બાકી છે, જ્યાં તેઓ પોતાનું સન્માન બચાવવાનો પ્રયાસ કરશે.