ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ વ્હાઇટ હાઉસ ખાતે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા. આ દરમિયાન તેમણે ટ્રમ્પને ખૂબ જ ખાસ ભેટ આપી હતી. વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા બાદ, ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમને ‘ગોલ્ડન પેજર’ ભેટમાં આપ્યું હતું.
ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે પણ પુષ્ટિ આપી હતી કે નેતન્યાહૂએ ડોનાલ્ડ ટ્રમ્પને સોનાનું પેજર ભેટ તરીકે આપ્યું હતું. વાસ્તવમાં, આ ભેટ લેબનોનમાં હિઝબુલ્લાહ સામે ઇઝરાયલના ઓપરેશનનું પ્રતીક છે, જેમાં પેજર બ્લાસ્ટ દ્વારા ઘણા હિઝબુલ્લાહ આતંકવાદીઓ માર્યા ગયા હતા.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં લેબનોન અને સીરિયા વચ્ચેના સરહદી વિસ્તારોમાં અનેક પેજર વિસ્ફોટ થયા હતા. લેબનીઝ રાજધાની બેરૂત અને દક્ષિણ લેબનોનના ઘણા વિસ્તારોમાં, ખાસ કરીને પૂર્વીય બેકા ખીણમાં એક પછી એક શ્રેણીબદ્ધ વિસ્ફોટો થયા હતા. આ પછી, લેબનોનમાં વોકી-ટોકી ઉપરાંત, સોલાર પેનલ અને હેન્ડહેલ્ડ રેડિયોમાં પણ વિસ્ફોટ થયા હતા. એટલું જ નહીં, બેરૂત સહિત લેબનોનના ઘણા મોટા શહેરોમાં ઘરોના સોલાર સિસ્ટમ અને સોલાર પેનલમાં ઘણા વિસ્ફોટ થયા હતા.
હિઝબુલ્લાહ દ્વારા સંદેશાવ્યવહાર માટે ઉપયોગમાં લેવાતા પેજર્સને નિશાન બનાવતા આ હુમલાઓમાં 3,000 થી વધુ લોકો ઘાયલ થયા હતા અને લગભગ 40 આતંકવાદીઓ માર્યા ગયા હતા. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ પુષ્ટિ આપી હતી કે તેમણે સપ્ટેમ્બરમાં લેબનોન સ્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના ગુપ્તચર સ્થળો પર પેજર હુમલાને મંજૂરી આપી હતી.
હકીકતમાં, હમાસ પર ઇઝરાયલના હુમલા પછી, હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરોએ તેમના લડવૈયાઓને એકબીજા સાથે વાત કરવા માટે મોબાઇલ કે ઇન્ટરનેટને બદલે પેજરનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. પેજરનું સ્થાન ટ્રેક કરી શકાતું નથી. જેથી પેજરનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.


