
લખનૌઃ બરેલીના કિલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી ઘટના બની હતી. બાકરગંજની સાંકડી ગલીમાં આવેલી માંઝા ફેક્ટરીમાં એક જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ફેક્ટરી માલિક સહિત ત્રણ લોકોના મોત થયા હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આખો વિસ્તાર ધ્રુજી ગયો હતો. વિસ્ફોટનો અવાજ ત્રણ કિલોમીટર સુધી સંભળાયો હતો. બ્લાસ્ટને પગલે લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા તેમજ ઘટનાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ઉચ્ચ અધીકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ સમગ્ર ઘટના કેવી ઘટી તેની તપાસ આરંભી હતી.
મળતી માહિતી મુજબ, અતિક રઝા ખાનનું બાકરગંજમાં એક ઘર છે. તે ઘરના પાછળના ભાગમાં માંઝા બનાવવાની ફેક્ટરી ચલાવતો હતો. શુક્રવારે સવારે માંઝા બનાવતી વખતે જોરદાર વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં અતીક અને માંઝા કારીગર ફૈઝાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજો કારીગર સરતાજ ગંભીર રીતે ઘાયલ થયો હતો. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું.
ઘટનાસ્થળે પહોંચેલા ઉચ્ચ અધિકારી સંદીપ કુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસને ઘરમાં સિલિન્ડર વિસ્ફોટ થયો હોવાની માહિતી મળી હતી, પરંતુ તપાસમાં સિલિન્ડર વિસ્ફોટના કોઈ પુરાવા મળ્યા નથી. ઘરમાં માંઝા બનાવવામાં આવી રહ્યો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ લોકો સલ્ફર અને પોટાશને પીસીને મિશ્રણ બનાવતા હતા, જેનો ઉપયોગ તેઓ દોરી પર લગાવવા માટે કરતા હતા. આ પ્રક્રિયા દરમિયાન વિસ્ફોટ થયો હતો. ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.