
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલા હુમલાના પગલે સમગ્ર દેશમાં રોષ ફેલાયેલો છે અને આતંકવાદીઓ અને તેને પ્રોત્સાહન આપનારા સામે કાર્યવાહી કરવાની સમગ્રદેશમાં માંગણી ઉઠી રહી છે. પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની ઘટના પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠને લીધી હોવાનું જાણવા મળે છે. દરમિયાન ઝારખંડમાં પાકિસ્તાન અને લશ્કર-એ-તૈયબાના વખાણ કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં કરવામાં આવી હતી. જેથી સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝારખંડના બોકારો જિલ્લામાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી હતી. તેણે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હોવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ શખ્સનું નામ મોહમ્મદ નૌશાદ છે. તેની ઉપર આરોપ છે કે, આરોપીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પાકિસ્તાન અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાની પ્રશંસા કરી હતી. બલીદિહ પોલીસ સ્ટેશનના અધિકારી નવીન કુમારે જણાવ્યું હતું કે, તેની મિલ્લત નગરથી ધરપકડ કરવામાં આવી છે. તેમજ તેની આગવીઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે. આરોપી કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.