
ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટીસ બિરેન વૈષ્ણવ કાર્ય કરશે
અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલની રજાને કારણે, કેન્દ્રએ 18 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ બિરેન વૈષ્ણવની નિમણૂંક કરીને જાહેરનામું બહાર પાડ્યું છે.
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશન (GHCAA) એ સર્વાનુમતે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં રોસ્ટર ફેરફારોના મુદ્દા પર “કાનૂની માર્ગે” મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલને અન્ય હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરવાની માંગ કરવામાં આવી હતી. હાઈકોર્ટના રોસ્ટરમાં કોર્ટના વિવિધ ન્યાયાધીશોને સોંપાયેલા કેસોની વિગતો હોય છે.
કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જારી કરાયેલા એક જાહેરનામા અનુસાર, “ભારતના બંધારણના અનુચ્છેદ 223 દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિ આથી ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ બિરેન અનિરુદ્ધ વૈષ્ણવને તે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશની ગેરહાજરીના સમયગાળા દરમિયાન ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદની ફરજો બજાવવા માટે નિયુક્ત કરે છે.” મુખ્ય ન્યાયાધીશ 18 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રજા પર રહેશે.