અમદાવાદ, 25 ફેબ્રુઆરી 2026: શહેરના કાંકરિયા વિસ્તારમાં અનુપમ રેલવે એવરબ્રિજ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું હોવાથી માર્ચ મહિનામાં 10 દિવસ રાત્રીના સમયે ઓવરબ્રિજ વાહન-વ્યવહાર માટે બંધ રહેશે. માર્ચ મહિનામાં તા. 9થી 11 માર્ચ અને 20 અને 21 માર્ચ તેમજ 26થી 30 માર્ચ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ઓવરબ્રિજ બંધ રહેશે.
અમદાવાદ અને મુંબઇ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. સાબરમતીથી લઈને વટવા સુધી બુલેટ ટ્રેનના પિલ્લરથી લઈ સેગમેન્ટ સહિતના અલગ અલગ કામ ચાલી રહ્યા છે, ત્યારે કાંકરિયા રેલવે યાર્ડ નજીક અનુપમ રેલવે ઓવરબ્રિજ પાસે બુલેટ ટ્રેનની કામગીરી કરવાની હોવાથી માર્ચ મહિનામાં 10 દિવસ અનુપમ રેલવે ઓવરબ્રિજ રાત્રિના સમયે વાહન ચાલકો માટે બંધ કરાશે. વાહન ચાલકોએ બંને તરફ અવર-જવર કરવા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવાનો રહેશે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી સાબરમતીથી વટવા સુધી ચાલી રહી છે. જે અંતર્ગત અનુપમ રેલવે ઓવર બ્રિજ પર સ્ટીલ બ્રિજ બનાવવાનું કામ અને ખસેડવાની કામગીરી માર્ચ મહિનામાં કરવામાં આવશે. જેથી 9થી 11 માર્ચ અને 20, 21 તેમજ 26થી 30 માર્ચ દરમિયાન રાત્રિના 11 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે. જેને કારણે અનુપમ બ્રિજના પૂર્વ અને પશ્ચિમ બંને છેડે વાહનોના અવરજવર પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.


