ગાંધીનગર, 26 ઓગસ્ટ, 2026 : Khijadia Bird Sanctuary has become a key breeding site for the black-necked stork. ગુજરાત વન વિભાગ હેઠળની સ્વાયત્ત સંસ્થા ગુજરાત ઇકોલોજિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (GEER) ફાઉન્ડેશનનાં સંશોધકોએ તાજેતરમાં જામનગર જિલ્લામાં આવેલા ખીજડિયા પક્ષી અભ્યારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્ક ((Ephippiorhynchus asiaticus) પક્ષી વિશે અભ્યાસ હાથ ધર્યો હતો. આ અભ્યાસમાં જાણવા મળ્યું કે, ખીડજિયા પક્ષી અભ્યારણ્ય બ્લેક-નેક્ડ સ્ટોર્ક (કાળી ડોક ઢોંક) માટે અત્યંત અનુકૂળ પ્રજનન સ્થળ છે. બ્લેક-નેક્ડ સ્ટોર્ક ભારતનાં સૌથી મોટાં અને વિશિષ્ટ જળપક્ષીઓમાંનું એક છે. વન્યજીવ (સંરક્ષણ) સુધારા અધિનિયમ, 2022 હેઠળ બ્લેક-નેક્ડ સ્ટોર્ક અનુસૂચિ (2) હેઠળ રક્ષિત પક્ષી છે.
આ અભ્યાસમાં કાળી ડોક ઢોંક પક્ષીની પ્રજનનની નોંધપાત્ર સફળતા જોવા મળી. નિરીક્ષણ હેઠળનાં ચારેય માળાઓમાંથી બચ્ચાં સફળતાપૂર્વક બહાર આવ્યાં હતાં. અભ્યાસનાં તારણો દર્શાવે છે કે, રામસર સાઇટ તરીકે જાહેર થયેલું ખીજડિયા પક્ષી અભ્યારણ્ય કાળી ડોક ઢોક પક્ષી માટે બ્રિડીંગ માટે મહત્વનું સ્થળ છે.
પીઅર-રિવ્યુડ આંતરરાષ્ટ્રીય જર્નલ Journal of Threatened Taxaમાં પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં જુલાઈ 2024થી માર્ચ 2025 દરમિયાન ખીજડિયા પક્ષી અભયારણ્યમાં બ્લેક-નેક્ડ સ્ટોર્કની વસ્તીની સ્થિતિ, પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર (બ્રિડીંગ ઇકોલોજી), માળાનાં સ્થળોની લાક્ષણિકતાઓ અને પ્રજનન ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આ સંશોધન ગીર ફાઉન્ડેશનનાં વૈજ્ઞાનિકો સંદીપ મુંજપરા, દિવ્યરાજસિંહ જાડેજા, નિતા સોલંકી, અમિતકુમાર નાયક અને બી.પી. પતી દ્વારા કરવામાં આવ્યું હતું.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ* જણાવ્યું કે, “ગીર ફાઉન્ડેશનની સમગ્ર સંશોધન ટીમને હું અભિનંદન પાઠવું છું. આ અભ્યાસે બ્લેક-નેક્ડ ઢોંક પક્ષીનાં અદભૂત વર્તન અને પ્રજનન પરિસ્થિતિશાસ્ત્ર પર નવો પ્રકાશ પાડ્યો છે. આ તારણોને આધારે આપણે આ પક્ષીનાં સરંક્ષણ વિશે અસરકારક પગલાં લઇ શકીશુ.”


