1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટમાં વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 300 વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે
રાજકોટમાં વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 300 વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે

રાજકોટમાં વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરતા 300 વાહન ચાલકોના લાયસન્સ રદ કરાશે

0
Social Share
  • 300 વાહનચાલકોએ 50થી વધુ વખત ટ્રાફિક નિયમોનો ભંગ કર્યો,
  • ઈ-મેમો આપવા છતાંયે વાહનચાલકો દંડ ભરતા નથી,
  • ટ્રાફિક પોલીસે લાયસન્સ રદ કરવા માટે આરટીઓ કચેરીને પત્ર લખ્યો

રાજકોટઃ શહેરમાં કેટલાક વાહનચાલકો વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય છે. જેમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવવા, ટ્રાફિક સિગ્નલ બંધ હોવા છતાંયે ક્રોસ કરવા, વધુ ઝડપે વાહનો ચલાવવા સહિતના ટ્રાફિકભંગના ગુના માટે ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-ચલણ આપવા છતાંય દંડ ભરતા નથી, રાજકોટ આરટીઓ કચેરીમાં રજીસ્ટર થયેલા ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 300થી વધુ વાહનો એવા છે કે જેના ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 50થી વધુ વખત ઈ મેમો મોકલવામાં આવેલા છે અને ઈ ચલણ મોકલ્યા બાદ પણ આ વાહન ચાલકોએ દંડની ભરપાઈ કરી નથી. આથી આવા વાહનચાલકોના ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા માટે ટ્રાફિક પોલીસે આરટીઓ કચેરીને પત્ર લખ્યો છે.

રાજકોટ શહેરમાં ટ્રાફિકના નિયમોનો વારંવાર ભંગ કરનારા વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. શહેરમાં ટુ વ્હીલર અને ફોર વ્હીલર સહિત 300થી વધુ વાહનો એવા છે કે જેના ઉપર ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ 50થી વધુ વખત ઈ મેમો મોકલવામાં આવેલા છે અને ઈ ચલણ મોકલ્યા બાદ પણ આ વાહન ચાલકોએ દંડની ભરપાઈ કરી નથી. અમુક વાહનચાલકો તો એવા છે કે જેઓને એક જ વાહન નંબર પર 80 જેટલા ઈ મેમો નોટિસ સ્વરૂપે મોકલવામાં આવેલા છે. જેથી રાજકોટ શહેર ટ્રાફિક શાખાએ 300 વાહનચાલકોનું લિસ્ટ મોકલીને તેમના લાયસન્સ રદ કરવા માટેનો પત્ર આરટીઓ કચેરીને લખ્યો છે.

રાજકોટ શહેર ટ્રાફિક પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ RTOમાં રજીસ્ટર થયેલા 300થી વધુ વાહન ચાલકો વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરી વાયોલેશન ઉભુ કરી રહ્યા છે. જેથી RTOએ તેઓને વાહન ચલાવવા માટેનું જે લાયસન્સ આપ્યું છે તે રદ કરી દેવું જોઈએ. વારંવાર ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને નિયમ મુજબ વાહન ચલાવતા આવડતું નથી જેથી તેનું લાઇસન્સ રદ જ કરી દેવું જોઈએ. આ બાબતે આરટીઓ કચેરીને પત્ર લખવામાં આવ્યો છે જેથી તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

રાજકોટ ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ વ્યક્તિએ વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કર્યા બાદ ચલણની ભરપાઈ ન કરી અને ઘણા બધા ઈ ચલણ એક જ વાહન ઉપર હોય તો તેવા વાહન માલિકોને વાહન નંબરના આધારે સર્ચ કરવામાં આવશે. ત્યારબાદ તેઓને નોટિસ આપવામાં આવશે અને તે પછી લાયસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code