અમદાવાદ, 24 માર્ચ 2026: Lines of vehicles at petrol pumps ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને લીધે પેટ્રોલ-ડીઝલની અછત સર્જાશે તેવી દહેશત અને અફવા ને કારણે ગઈકાલે સોમવારે વાહનચાલકોએ વાહનોમાં પેટ્રોલ- ડીઝલ ભરાવવા માટે લાઈનો લગાવી દીધી હતી. જોકે રાજ્યના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો છે. એટલે બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ કર્યો હતો. આમ છતાંયે આજે મંગળવારે પણ અમદાવાદના મોટાભાગના પેટ્રોલ પંપ પર વાહનોની લાઈનો જોવા મળી હતી.
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી પેટ્રોલ-ડીઝલની અછત હોવાની અફવાઓએ જોર પકડ્યું છે. સોમવાર બપોરથી શરૂ થયેલી આ દોડધામ મંગળવારે પણ યથાવત જોવા મળી રહી છે. અફવાઓને કારણે લોકોમાં ફેલાયેલા ડરને પગલે મોટાભાગના શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી કતારો લાગી છે. સરકારે સ્પષ્ટતા કરી હોવા છતાયે વાહનચાલકો પેટ્રોલ પુરાવવા લાઈનો લગાવી રહ્યા છે. સોમવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્થો છે, ગભરાવવાની જરૂર નથી.તેવી સ્પષ્ટતા કરી હતી. ત્યારબાદ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ એવી સ્પષ્ટતા કરી છે. કે, રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. -કોઈપણ પ્રકારની અફવાઓથી દોરવાયા વગર કે ગભરાટમાં આવ્યા વગર શાંતિ જાળવવા અને ઈંધણ પુરવઠો પૂરતો હોવાથી બિનજરૂરી લાઈનો ન લગાવવા જનતાને અનુરોધ કર્યો છે. સરકારની હૈયાધારણ છતાંયે વાહનચાલકો પેટ્રોલ-ડીઝલ પુરાવવા લાઈનો લગાવી રહ્યા છે.
અફવાને કારણે અમદાવાદમાં જ દરરોજના સરેરાશ 30 લાખ લિટર પેટ્રોલ અને 60 લાખ લિટર ડીઝલના વપરાશ સામે ગઇકાલે જ બમણો ઉપાડ નોંધાયો હોવાનો અંદાજ છે.આજે મેગળવારે પણ સવારથી જ અખબારનગરથી પ્રગતિનગર અને અંકુર રોડ પેટ્રોલ પંપ પર લાઈનો જોવા મળી હતી. જનતાને સરકારના આશ્વાસન પર ભરોસો બેસતો નથી. લોકોને કોરોનાકાળનો એ સમય યાદ આવી રહ્યો છે જ્યારે રેમડેસિવિર ઈન્જેક્શન અને હોસ્પિટલના ખાટલા માટે સરકારી વાયદાઓ વચ્ચે રઝળપાટ કરવો પડ્યો હતો.


