1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરજબારી હાઈવે પર LPG ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાતાં લાગી આગ, 6 વાહનો આગમાં લપેટાયા
સુરજબારી હાઈવે પર LPG ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાતાં લાગી આગ, 6 વાહનો આગમાં લપેટાયા

સુરજબારી હાઈવે પર LPG ગેસ ભરેલા ટેન્કરે પલટી ખાતાં લાગી આગ, 6 વાહનો આગમાં લપેટાયા

0
Social Share
  • ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ભરેલા ટેન્કર પલટી ખાધી
  • ટેન્કરમાં આગને લીધે 10 કિમી લાંબો ટ્રાફિકજામ સર્જાયો
  • ટેન્કરચાલકના મોતની આશંકા, ફાયરબ્રિગેડે 3 કલાક પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી

ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે.ત્યારે સુરજબારી પાસે વધુ એક અકસ્માત સર્જાયો હતો. સુરજબારી હાઇવે ઉપર આજે વહેલી સવારે ગાંધીધામથી મોરબી તરફ જતું LPG ગેસ ભરેલું ટેન્કર પલટી જતા ટેન્કરમાં ધડાકા સાથે આગ ફાટી નિકળી હતી. ટેન્કમાં બ્લાસ્ટના કારણે નજીકની હાઇવે હોટેલમાં પાર્ક થયેલા 6  વાહનો અને ટેન્કર મળી 7 જેટલા વાહનોમાં આગ ફેલાઈ ગઇ હતી. આગને લીધે હાઈવે પર અફડા-તફડી મચી ગઈ હતી, અને 10થી 12 કિલોમીટર જેટલો ટ્રાફિકજામ થઇ ગયો હતો. જે લગભગ પાંચ કલાક બાદ હળવો થયો હતો. આ દુર્ઘટનામાં ટેન્કરચાલકનો કોઈ પત્તો મળ્યો નથી. આગમાં ટેન્કરચાલકનું મોત થયું હોવાની આશંકા છે.

આ બનાવની વિગત એવી છે કે, ગાંધીધામથી LPG ગેસ ભરીને મોરબી તરફ જઇ રહેલુ ટેન્કર કચ્છના સુરજબારી હાઇવે પર વહેલી સવારે 5 વાગ્યે પલટી ગયું હતું. ટેન્કર પલટી જતાં એમાં આગ લાગી ગઇ હતી. થોડીવાર બાદ ટેન્કરમાં અચનાક ધકાડા સાથે બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ટેન્કરના સ્પેરપાર્ટ એકથી બે કિલોમીટર સુધી ઉડીને વિખેરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ટેન્કરનો ચાલક હજી લાપતા છે, જેના મોતની આશંકા સેવાઇ રહી છે. એલપીજી ભરેલા ટેન્કરમાં આગ લાગતા હાઇવેની નજીકમાં આવેલી એક હોટેલના પાર્કિગમાં પાર્ક કરેલા 6 વાહનોમાં પણ આગ ફેલાઇ ગઇ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. આ દરમિયાના હાઇવે પર લગભગ 10થી 12 કિલોમીટર સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતા. પરોઢિયાના 5 વાગ્યાથી સવારના 10 વાગ્યા સુધી વાહનો ફસાયા હતા, જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. દરમિયાન હાઈવે પેટ્રોલિંગ ટીમ સાથે જીઆરડી, લાકડીયા અને સામખિયાળી પોલીસે સંયુક્ત રીતે કામગીરી કરીને ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો છે.

ભચાઉ ફાયર વિભાગની ટીમ સાથે ખાનગી એકમના ફાયર ફાયટરોએ સતત ત્રણ કલાક જેટલો સમય પાણીનો મારો ચલાવીને સવારે 8 વાગ્યાના અરસામાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. જ્યારે હાઇવે પેટ્રોલીંગ ટીમ અને સામખિયાળી પોલીસે 5 કલાકની મહેનત બાદ ટ્રાફિક નિયંત્રણ કર્યો હતો.

આ અંગે સામખિયાળી પીઆઇ વીકે ગઢવીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના આજે પરોઢે લગભગ 4થી 5 વાગ્યાના અરસામાં બની હતી. એલપીજી ટેન્કર પલટી જતા તેમાં પ્રથમ આગ લાગી હતી અને 15થી 20 મિનિટ બાદ ટેન્કરમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આગ લાગેલા ટેન્કરમાં બ્લાસ્ટ થતાં તેની જ્વાળાઓ નજીકની હોટેલમાં પાર્ક કરેલા 6-7 જેટલા ભારે વાહનોમાં ઉડતા તેમાં પણ આગ ફેલાઈ જવા પામી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code