
- સેમેસ્ટર-1ની પરીક્ષા 6 મહિના પહેલા લેવામાં આવી હતી,
- માર્કશીટ ન મળતા સ્કોલરશીપ સહિત લાભ લેવામાં વિદ્યાર્થીઓને મુશ્કેલી,
ભાવનગરઃ મહારાજા કૃષ્ણ કૂમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીનો વહિવટ અંધેર હોવાની ફરિયાદો ઊઠી છે. યુનિવર્સિટી દ્વારા ગત ડિસેમ્બર મહિનામાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી હતી. અને ત્યારબાદ આ પરીક્ષાનું પરિણામ ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યુ હતું, પરંતુ આ પરીક્ષાના આઠ મહિના જેટલો સમયગાળો વિત્યો છતાં વિદ્યાર્થીઓને આ પરીક્ષાની માર્કશીટ મળી નથી. જેથી સ્કોલરશિપ સહિતની સરકારી સહાય યોજનાના લાભ લેવામાં વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
કૃષ્ણ કૂમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની કામગીરી સામે સવાલો ઊઠી રહ્યા છે. યુનિવર્સિટી દ્વારા સેમેસ્ટર એકની પરીક્ષા ગત ડિસેમ્બર/જાન્યુઆરી મહિનામાં લેવામાં આવી હતી. ત્યાર બાદ યુનિ. દ્વારા સ્નાતક કક્ષાના બીજા સેમેસ્ટરની પરીક્ષા જૂન 2024માં લેવાઇ હતી. આ પ્રથમ અને બીજા સેમેસ્ટરની આ બધી જ પરીક્ષાના પરિણામ તો ઓનલાઇન જાહેર કરી દેવામાં આવ્યા છે પરંતુ ડિસેમ્બરમાં જે પ્રથમ સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવેલી તે પરીક્ષાની માર્કશીટ આજે આઠ મહિના થયા છતાં પણ વિદ્યાર્થીઓને મળી નથી. આ અંગે વિદ્યાર્થીઓએ યુનિના કૂલપતિ તેમજ પરીક્ષા નિયામકને અનેકવાર રજુઆતો કરી છતાં માર્કશીટ આપવામાં આવતી નથી. આ અંગે પૂર્વ સેનેટર સભ્ય ડો. મહેબૂબ બલોચે જણાવ્યું હતુ. આ ઓરિજનલ માર્કશીટના અભાવે ખાસ કરીને વિદ્યાર્થીઓ જે શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે તેને મુશ્કેલી પડી રહી છે. માર્કશીટ ક્યારે આપવામાં આવશે. તેનો કોઈ જવાબ આપવામાં આવતો નથી.