
મહાકુંભઃ ગુજરાતી યાત્રિકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો 2235 લોકોએ લાભ લીધો
ગાંધીનગરઃ પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળામાં પવિત્ર સંગમ સ્નાન કરવા જતાં ગુજરાતી યાત્રિકોએ ગુજરાત પ્રવાસન નિગમની વિવિધ સુવિધાઓનો મહત્તમ લાભ ઉઠાવ્યો છે. યાત્રાળુંઓ માટે અહીં ઉભી કરવામાં આવેલી રહેવાની સુવિધાનો 2235 લોકોએ લાભ લીધો છે. આટલા ગુજરાતી યાત્રિકોએ અહીં ઉતારો મેળવ્યો હતો.
મહાકુંભમાં સેક્ટર – 6માં નાગવાસુકી મંદિરથી નજીક ભારદ્વાજ માર્ગ ઉપર 33000 ચોરસ ફૂટ ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા આપવામાં આવી છે. અહીં ગુજરાત પેવેલિયન, હેલ્પ ડેસ્ક, ક્રાફ્ટ સ્ટોલ, ફૂડ સ્ટોલ તથા ડોરમેટરીની સુવિધા ઉભી કરવામાં આવી છે.
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ગુજરાતનાં વિવિધ પ્રવાસન સ્થળોની માહિતી મહાકુંભમાં આવતા યાત્રિકોને મળી રહે તે હેતુ ધાર્મિક પ્રવાસન, હેરીટેજ પ્રવાસન તથા રાષ્ટ્રીય સિંહ અભયારણ્ય જેવા વિવિધ પ્રવાસન સ્થળોની ઝાંખી રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનની અત્યાર સુધીમાં 69,192 લોકોએ મુલાકાત લીધી છે. ફ્રાન્સ, યુકે, જર્મની, અમેરિકા, ઇટલી જેવા દેશોના નાગરિકોએ પણ ગુજરાતનું થીમ પેવેલિયન નિહાળ્યું છે.
મજાની વાત તો એ છે કે, ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા ચોવીસ કલાક માહિતી આપતા હેલ્પ ડેસ્ક માર્ગદર્શકની ભૂમિકા અદા કરી રહ્યો છે. અત્યાર સુધીમાં 21519 યાત્રિકોએ હેલ્પ ડેસ્ક નંબર 1800-180-5600 ઉપર ફોન કરી વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન મેળવ્યું છે.
એમાં ખાસ કરીને રેલ્વે સ્ટેશનથી સંગમ સ્થાન ઉપર કેવી રીતે જવું, વાહનો ક્યા સ્થળે પાર્ક કરવા, પોતાના સ્થાનેથી સંગમ સ્થાને કેવી રીતે જવું સહિતના વિષયો મહત્તમ હતા. હેલ્પ ડેસ્ક ઉપર સ્થાનિક ભૂગોળની તાલીમ મેળવેલી વ્યક્તિ માહિતી આપતી હોવાથી પ્રવાસીઓને સરળતા રહે છે.
સેક્ટર – 6માં ઉભી કરવામાં આવેલી આવાસીય સુવિધાની વ્યવસ્થા જોઇએ તો 403 જેટલા પ્રવાસીઓ ઉતારો મેળવી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલા અને પુરુષો માટે અલગ અલગ વિભાગ રાખવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 2235 યાત્રિકોએ અહીં ઉતારો મેળવ્યો છે. આ આવાસીય સુવિધાનું ભાડું પણ સાવ નજીવું રાખવામાં આવ્યું છે.
સખી મંડળો દ્વારા સંચાલિત 8 ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. અહીં ગુજરાતી ભોજન મળી રહે છે. આ ઉપરાંત 13 ક્રાફ્ટ સ્ટોલ થકી ગુજરાતની હસ્તકલાને મહાકુંભમાં લોકો સમક્ષ મૂકવામાં આવી છે. અહીં આરોગ્ય કેન્દ્ર પણ ગુજરાત પેવેલિયનમાં બનાવવામાં આવ્યું છે. નાનામોટા દર્દોની ફરિયાદ સાથે અત્યાર સુધીમાં 902 પ્રવાસીઓ આ આરોગ્ય કેન્દ્રમાં દવા – સારવાર મેળવી છે.