
- અંબાજીમાં મહામેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે,
- પદયાત્રીઓ માટે વોટર પ્રુફ વિશાલ ડોમની સુવિધા,
- LED સ્ક્રીન અને 350 CCTV કેમેરા લગાવાયા
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજી ખાતે આગામી તા. 12મી સપ્ટેમ્બરથી 18મી સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજીના ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. ભાદરવી પૂનમે મા અંબાજીના દર્શન માટે વિશેષ મહાત્મ્ય હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પગપાળા અંબાજી પહોંચતા હોય છે. ત્યારે યાત્રાળુઓની સગવડતાને ધ્યાને રાખીને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. જેમાં અંબાજી મંદિરના શક્તિ દ્વાર આગળના દર્શનપથની રેલિંગો અને અંબાજી આવવાના તમામ માર્ગો પર યાત્રાળુઓ માટે વિશાલ ડોમ બનાવવાની કામગીરી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે.
ભાદરવી પૂનમની તૈયારીઓના ભાગરૂપે અંબાજીમાં અલગ અલગ જગ્યાએ વોટરપ્રૂફ વિશાલ ડોમ બનાવવાની કામગીરી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કરવામાં આવી રહી છે. આ વિશાલ ડોમમાં યાત્રાળુઓ માટે વિસામા સહિત પાણી અને ટોયલેટની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી રહી છે. અંબાજી ભાદરવી પૂનમમાં લાખોની સંખ્યામાં આવતા યાત્રાળુઓની સગવડતા અને સુરક્ષાને ધ્યાને રાખી 350 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવી રહ્યા છે. સાથે સાથે 12થી 13 જેટલી વિશાલ એલઇડી સ્ક્રીન પણ લગાવવામાં આવી રહી છે. યાત્રાળુઓની સુવિધામાં વધારો કરતાં સમગ્ર અંબાજીમાં સાઉન્ડ સિસ્ટમ પણ ગોઠવવામાં આવી રહ્યું છે.
ભાદરવી પૂનમના મોળા માટે અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વરસાદને ધ્યાને રાખીને વિશાલ ડોમ વોટર પ્રુફ બનાવવામાં આવી રહ્યા છે. આ વિશાલ ડોમમાં યાત્રાળુઓને આરામ કરવા માટે ડબલ ટ્રેકર બેડ પણ બનાવવામાં આવી રહ્યા છે. પીવાના પાણી સહિત ટોયલેટ બાથરૂમની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં આવતા યાત્રાળુઓને ધ્યાને રાખીને 30 જેટલા પાર્કિંગ પ્લોટની સગવડ પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જેથી તમામ વાહનો પાર્કિંગ પ્લોટમાં રાખી વ્યવસ્થાઓને સુચારુરૂપે પૂરું પાડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથે સાથે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા અંબાજી ખાતે ત્રણ જગ્યાએ યાત્રાળુઓ માટે નિશુલ્ક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.