- માલણ નદીના પુલની બંને બાજુની રેલિંગ તૂટી ગઈ છે
- બ્રિજના પિલ્લરોમાં તિરાડો પડી ગઈ છે
- ગ્રામજનોની રજુઆત બાદ પણ તંત્ર નિષ્ક્રિય છે
ભાવનગરઃ સોમનાથ-ભાવનગર હાઈવે પર મહુવાના માલણ નદી પર આવેલો 50 વર્ષ જૂનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. અને ગમે ત્યારે મોટી દૂર્ઘટના સર્જાવાની દહેશત છે. ત્યારે તાત્કાલિક બ્રિજને મરામત કરવામાં આવે તેવી માગ ઊઠી છે.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક માલણ નદીનો બ્રિજ જર્જરિત બન્યો છે. બ્રિજની બંને બાજુની રેલિંગ તૂટી ગઈ છે અને સુરક્ષા માટેના પિલર પણ ધરાશાયી હાલતમાં છે. બ્રિજની નીચેના ભાગે પણ જર્જરિત સ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ બ્રિજની બિસ્માર હાલતને કારણે સ્થાનિક લોકોમાં ભારે ચિંતા પ્રવર્તી રહી છે. જોકે, હજુ સુધી તંત્ર દ્વારા આ પુલના સમારકામ માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
રાજ્યના માર્ગ-મકાન વિભાગના હસ્તક આવતા આ પુલના તાત્કાલિક સમારકામ માટે સ્થાનિકો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ટાળી શકાય. અગાઉ પણ આ મુદ્દે રજુઆતો કરવામાં આવી હતી. હાઈવે હોવાથી રોજ મોટી સંખ્યામાં બ્રિજ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે. જર્જરિત બનેલી બ્રિજ પર રેલિંગ ન હોવાથી રાતના સમયે અકસ્માતને ભય રહે છે. એટલે વહેલી તકે બ્રિજની મરામત કરવામાં આવે તેવી માગ ઊઠી છે.


