1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. કચ્છમાં સોલાર પ્લાન્ટના કેબલ ચોરીને સ્કોર્પિયોમાં જતો શખસ બનાસકાંઠાથી પકડાયો
કચ્છમાં સોલાર પ્લાન્ટના કેબલ ચોરીને સ્કોર્પિયોમાં જતો શખસ બનાસકાંઠાથી પકડાયો

કચ્છમાં સોલાર પ્લાન્ટના કેબલ ચોરીને સ્કોર્પિયોમાં જતો શખસ બનાસકાંઠાથી પકડાયો

0
Social Share

પાલનપુર, 02 માર્ચ, 2026: Accused of stealing solar plant cables arrested from Banaskantha કચ્છના ખાવડા પોલીસ સ્ટેશનની હદમાંથી સોલાર પેનલના કેબલ ચોરીને શખસો રાજસ્થાન તરફ સ્કોર્પિયો કારમાં જતા હતા. તે દરમિયાન બનાસકાંઠામાં ડીસા-પાલનપુર હાઈવે પર એલસીબીનો સ્ટાફ વાહન ચેકિંગ કરી રહ્યો હતો. ત્યારે સ્કોર્પિયો કારને ઊભી રાખવાનું કહેતા કાર પુરફાટ ઝડપે ભગાડી હતી તેથી પોલીસને શંકા જતા તેનો પીછો કર્યો હતો. અને રસાણા ગામ પાસે સ્કોર્પિયો રોકાવતા કારમાં સવાર શખ્સો નાસી ગયા હતા પણ પોલીસે એક શખસને દબોચી લીધો હતો. કારમાંથી ચોરી કરેલા કેબલ વાયરનો જથ્થો મળી આવ્યો હતો.

બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે કચ્છ પશ્ચિમ જિલ્લાના ખાવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સોલાર પ્લાન્ટમાંથી થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય એક ફરાર છે.

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચના બાદ એલસીબી પાલનપુર દ્વારા મિલકત સંબંધિત ગુનાઓ શોધી કાઢવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઈના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન, ડીસા-પાલનપુર હાઈવે પર ભોયણ બસ સ્ટેન્ડ પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે એક સફેદ સ્કોર્પિયો ગાડી (રજી. નં. RJ 01 UB 6575) ને રોકવાનો ઈશારો કરતા ચાલકે ગાડી રોકી ન હતી અને પાલનપુર તરફ ભગાવી હતી. ગાડી શંકાસ્પદ જણાતા પોલીસે ખાનગી વાહનમાં તેનો પીછો કર્યો હતો. અને રસાણા ગામ પાસે રોડની સાઈડમાં ગાડી ઉભી રાખી ચાલક અને તેની સાથેનો ઈસમ ભાગવાનો પ્રયાસ કરતા એક ઈસમને પકડી લેવામાં આવ્યો હતો, જ્યારે બીજો ઈસમ નાસી છૂટ્યો હતો. પકડાયેલા ઈસમે પૂછપરછમાં આ મુદ્દામાલ કચ્છના ખાવડા ખાતેથી ચોરી કર્યો હોવાનું કબૂલ્યું હતું.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, પકડાયેલા આરોપીનું નામ સુશીલભાઈ રત્નારામ જાટ (ચૌધરી) (ઉ.વ. 21, રહે. શેખપુરા, તા. રિયાબડી, જિ. નાગૌર, રાજસ્થાન) છે. પોલીસે ચોરીમાં ગયેલા 150 કિલો રબર કોટેડ કોપર વાયર (કિંમત રૂ. 1,50,000), સ્કોર્પિયો ગાડી (કિંમત રૂ. 5,00,000) અને એક મોબાઈલ સહિત કુલ રૂ. 6,52,000 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરી અંગે ખાવડા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ- 303(2) મુજબ ગુનો નોંધાયો છે. ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કલમ- 35(1)E, 106 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ફરાર આરોપી કૈલાશ ઢાકા (રહે. ઠાટા, તા. હાંસોર, જિ. નાગૌર, રાજસ્થાન) ને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code