
સ્વદેશી તેજસ જેટની ખરીદી માટે અનેક દેશોએ દર્શાવ્યો
નાસિક : સરકારી એરોસ્પેસ કંપની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી લડાકૂ વિમાન ‘તેજસ માર્ક-1A (Tejas Mk-1A)’ એ શુક્રવારે નાસિક સ્થિત HAL પ્લાન્ટમાંથી તેની પ્રથમ સફળ ઉડાન ભરી હતી. આ સિદ્ધિ ભારતના રક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફનો વધુ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન માનવામાં આવી રહી છે.
HALના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડી. કે. સુનીલએ જણાવ્યું કે તેજસ માર્ક-1A સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત અત્યાધુનિક લડાકૂ વિમાન છે. તેમણે જણાવ્યું કે આ વિમાનની ટેકનિકલ ક્ષમતા અને પ્રદર્શનને ધ્યાનમાં રાખીને અનેક વિદેશી દેશોએ તેમાં ખરીદી માટે રસ દર્શાવ્યો છે.
તેમણે કહ્યું, “આજે આપણા પાસે એક એવું વિમાન છે જે દરેક દૃષ્ટિકોણથી સક્ષમ છે. તેમાં અદ્યતન રડાર સિસ્ટમ, મજબૂત હથિયાર ક્ષમતા અને આધુનિક એવિઓનિક્સ સિસ્ટમ છે. આ ફાઇટર જેટનું જાળવણી અને અપગ્રેડિંગ બંને ભારતની અંદર જ થઈ શકે છે, કારણ કે તેના સોફ્ટવેર અને હાર્ડવેર પર HALનું સંપૂર્ણ નિયંત્રણ છે.”
સુનીલે જણાવ્યું કે “તેજસ માર્ક-1A લગભગ 4.5 પેઢીનું (Generation) જેટ છે, જેમાં AESA રડાર, ઇલેક્ટ્રોનિક વોરફેર (EW) સુટ અને એડવાન્સ મિસાઇલ સિસ્ટમ જેવી સુવિધાઓ છે. મિગ-21 પોતાના સમય માટે અતિઉત્કૃષ્ટ હતું, પરંતુ તેજસ આજના યુગની જરૂરિયાતો મુજબ વધુ અદ્યતન અને બહુમુખી છે.”
HALના અધ્યક્ષે જણાવ્યું કે અનેક દેશોએ તેજસ વિમાનમાં પ્રારંભિક રસ દર્શાવ્યો છે. “અમે હાલમાં વિવિધ દેશો સાથે ચર્ચા કરી રહ્યા છીએ, અને અત્યાર સુધી જે પ્રતિસાદ મળ્યો છે તે ખૂબ જ ઉત્સાહજનક છે. વિદેશી ખરીદદારો આ વિમાનને એક વિશ્વસનીય અને ઉચ્ચ ક્ષમતા ધરાવતા લડાકૂ વિમાન તરીકે જોઈ રહ્યા છે,” એમ તેમણે જણાવ્યું.
HALને કુલ 180 તેજસ માર્ક-1A વિમાનોનું ઉત્પાદન કરવાનો લક્ષ્યાંક છે. આ ઉત્પાદન 2032-33 સુધી પૂર્ણ કરવાની યોજના છે. ત્યારબાદ કંપની વધુ અદ્યતન સંસ્કરણ LCA માર્ક-2 (Tejas Mk-2)નું ઉત્પાદન શરૂ કરશે. ડી. કે. સુનીલે જણાવ્યું, “અમે આશા રાખીએ છીએ કે 2032-33 સુધી તેજસ માર્ક-1Aનું ઉત્પાદન પૂર્ણ થશે અને એ જ સમય દરમિયાન તેજસ માર્ક-2નું નિર્માણ શરૂ કરવામાં આવશે, જે વધુ શક્તિશાળી અને આધુનિક સંસ્કરણ રહેશે.”