સુરત, 22 માર્ચ 2026: Marijuana worth Rs 1.90 crore seized શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ વિદેશથી ડ્રગ્સની પણ હેરાફેરી થઈ રહી છે. ત્યારે બેંગકોકથી સુરત આવેલા બે પ્રવાસી પાસેથી ગાંજો પકડાયો છે. એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ બેંગકોકથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટમાં તપાસ હાથ ધરતા કરોડોની કિંમતનો ગાંજો મળી આવ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન એરક્રાફ્ટની સીટ પાછળ છુપાવવામાં આવેલા હાઈડ્રોપોનિક (હાઈબ્રિડ) ગાંજાના પેકેટો જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ઘટનાએ સુરત એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા ડ્રગ્સ નેટવર્ક પર અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. સુરત એરપોર્ટ પર 7 દિવસમાં બીજીવાર કરોડોનો ગાંજો ઝડપાયો છે.
આ અંગે સુરત કસ્ટમ વિભાગના કહેવા મુજબ, સુરત એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઈટ નંબર IX-263 ના એરક્રાફ્ટમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સીટ નંબર 28A, 28B, 28E અને 28F ના બેકરેસ્ટમાંથી બ્રાઉન ટેપથી વીંટાળેલા સાત વેક્યૂમ પેક્ડ પોલિથિન પેકેટો મળી આવ્યા હતા. આ પેકેટોમાં કુલ 1972.20 ગ્રામ હાઈડ્રોપોનિક ગાંજો ભરવામાં આવ્યો હતો. ઉચ્ચ ગુણવત્તાવાળા આ ગાંજાની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1.90 કરોડ આંકવામાં આવી રહી છે. અધિકારીઓએ તાત્કાલિક અસરથી તમામ મુદ્દામાલ જપ્ત કરવાની કાર્યવાહી કરી હતી.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, ડ્રગ્સના પેકેટો મળી આવ્યા બાદ કસ્ટમ વિભાગે શંકાના આધારે બે પ્રવાસીઓની સઘન પૂછપરછ શરૂ કરી હતી. આ બંને પ્રવાસીઓ પૈકી એક ઉત્તર પ્રદેશના બાગપતનો અને બીજો દિલ્હીનો હોવાનું બહાર આવ્યું છે. પૂછપરછ દરમિયાન બંનેએ પોતાની સંડોવણી કબૂલી હતી અને ત્રીજા શખ્સનું નામ આપ્યું હતું. આ ત્રીજો વ્યક્તિ સુરતથી દિલ્હી જતી ડોમેસ્ટિક ફ્લાઈટ IX-1264માં આ નશીલો પદાર્થ આગળ લઈ જવાનો હતો. કસ્ટમ વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને ત્રણેય શખ્સોની ધરપકડ કરી ડ્રગ્સ નેટવર્ક તોડવા કવાયત તેજ કરી છે.
સુરતનું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ડ્રગ્સની હેરાફેરીનું હબ બનતું જાય છે. બરાબર સાત દિવસ પહેલા, એટલે કે 14 માર્ચ 2026ના રોજ પણ આ જ ફ્લાઈટ નંબર IX-263માંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું હતું. સતત બીજી વાર એ જ એરલાઇન અને એ જ રૂટ પરથી નશીલો પદાર્થ મળી આવતા કસ્ટમ અને સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. આ ઘટનાક્રમ દર્શાવે છે કે ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ કોઈ ચોક્કસ પેટર્ન મુજબ કામ કરી રહ્યા છે. સાત દિવસમાં બે મોટા કેસ સામે આવતા હવે સુરત એરપોર્ટ પર સતર્કતા વધારી દેવામાં આવી છે.


