વડોદરા, 27 માર્ચ 2026: Massive fire breaks out at compressor company in Ranoli GIDC શહેર નજીક આવેલા રણોલી જીઆઈડીસી વિસ્તારમાં બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગતા અફડાતફડી મચી ગઈ હતી. આ કંપનીના કોમ્પ્રેસર પાર્ટ્સ અને સર્વિસ સેન્ટરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગના બનાવની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો દોડી આવ્યો હતો. અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
આ બનાવની વિગત એવી છે. કે, વડોદરા શહેર નજીક આવેલા રણોલી જીઆઈડીસી વિસ્તારમાં બુરખાટ કોમ્પ્રેસર કંપનીમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હોવાનો ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગને કોલ મળતા જ ટીપી-13 ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર સ્ટાફે તાત્કાલિક પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં જ તેને કાબૂમાં લેવામાં સફળતા મળી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કંપનીનું મોટા પ્રમાણમાં મટિરિયલ બળીને ખાક થઈ ગયું છે. આગનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગ લાગતા વીજ કંપનીની ટીમ પણ દોડી આવી હતી અને વીજ કનેક્શન કાપી ફાયરે કામગીરી શરૂ કરી હતી.
આ અંગે કંપનીના કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમારી મેન કંપની પૂનામાં આવેલી છે, અમારે અહીંયા સ્ટોર છે, જેમાં કોમ્પ્રેસર પાર્ટ સપ્લાય અને સર્વિસિંગ સેન્ટર આવેલું છે. અહીંયા રાત્રિનો સમય હતો એટલે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મટિરિયલ બળીને ખાક થઈ ગયું છે. હજુ સુધી નુકસાનનો અંદાજ નથી, પરંતુ લાખોનો સામાન બળીને ખાક થઈ ગયો છે.


