1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બેટ દ્વારકામાં ત્રીજા દિવસે મેગા ડિમોલિશન, બે દિવસમાં 110 મકાનો તોડી પડાયા
બેટ દ્વારકામાં ત્રીજા દિવસે મેગા ડિમોલિશન, બે દિવસમાં 110 મકાનો તોડી પડાયા

બેટ દ્વારકામાં ત્રીજા દિવસે મેગા ડિમોલિશન, બે દિવસમાં 110 મકાનો તોડી પડાયા

0
Social Share
  • 250 આસામીઓને તંત્ર દ્વારા નોટિસો ફટકારી હતી
  • દબાણો હટાવવામાં 1000 પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત
  • દબાણો હટાવાતા ચારેબાજુ કાટમાળના ઢગલાં નજરે પડે છે

દ્વારકાઃ યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધિશના દર્શન માટે રોજબરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. અને પ્રવાસીઓ બેટ દ્વારકાની પણ મુલાકાત લેતા હોય છે. બેટ દ્વારકામાં વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. ત્યારે તંત્ર દ્વારા પુરતા પોલીસ ફોર્સના બંદોબસ્ત સાથે છેલ્લા ત્રણ દિવસથી દબાણો હટાવવાની ઝૂંબેશ ઙાથ દરવામાં આવી છે. બેટ દ્વારકામાં મેગા ડિમોલિશનનો આજે ત્રીજો દિવસ હતો. આજે પણ બેટ દ્વારકામાં ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી યથાવત રહી હતી. અત્યાર સુધી સાડા નવ કરોડની કિંમતી સરકારી જમીન પરના દબાણ હટાવી દેવામાં આવ્યા છે.  24400 ચોરસ મીટર જગ્યા પરનું દબાણ તોડી પાડવામાં આવ્યું છે. બેટ દ્વારકામાં બાલાપર વિસ્તારમાં દબાણો તોડી પાડવામાં આવ્યા હોઈ ચારે તરફ કાટમાળ પથરાયેલો જોવા મળી રહ્યો છે. એક હજાર પોલીસ અને એસ.આર.પી. જવાનો સાથે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શનમાં મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે.

દેવભૂમિ દ્વારકા નજીક આવેલા બેટ દ્વારકામાં સતત ત્રીજા દિવસે ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી યથાવત રહી હતી. આજે વહેલી સવારથી જ સરકારી જમીન પર દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી. બેટ દ્વારકા ઉપરાંત ઓખાના હટીલા હનુમાન રોડ પર ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ-અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલાં દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે. મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરુ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ બેટ દ્વારકામાં રવિવારે પણ 50 થી વધુ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.  દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન મરીન પોલીસ બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ગયા શનિવારે વહેલી સવારથી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં બેટ દ્વારકા નજીક બાલાપર ખાતે આશરે 250 જેટલા આસામીઓને નોટિસ આપ્યા બાદ આ કામગીરી શરુ કરવામાં આવી હતી. 76 જેટલાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. જેમાં 6 કરોડ 53 લાખની કિંમતની 12, 400 મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પણ પોલીસ તંત્ર હાઇ ઍલર્ટને એલર્ટ કરી દેવામાં આવ્યું હતું. જિલ્લાના પોલીસવડા નિતેશ પાંડેની દેખરેખ હેઠળ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સિવાય ખંભાળિયાના બંને ડીવાયએસપી સાગર રાઠોડ અને હાર્દિક પ્રજાપતિ, એલ.સી.બી, એસ.ઓ.જી તેમજ જિલ્લાભરમાંથી પી.આઇ., પી. એસ. આઇ ઉપરાતં એસ. આર. પી અને મહિલા પોલીસ સહિત 1 હજાર પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code