સુરત, 24 ફેબ્રુઆરી 2026: હોળી અને ધૂળેટીના તહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે ત્યારે પરપ્રાંતના લોકો પોતાના માદરે વતન જઈ રહ્યા છે. સુરત શહેરમાં ટેક્સટાઈલ સહિતના ઉદ્યોગોમાં મોટી સંખ્યામાં પરપ્રાંતના લોકો રોજગારી માટે સ્થાયી થયેલા છે. પરપ્રાંતના લોકો ખાસ કરીને વર્ષમાં બેવાર પોતાના વતન જતા હોય છે. જેમાં દિવાળીના પર્વમાં અને હોળી-ધૂળેટીના પર્વમાં પરિવાર સાથે વતન જતા હોય છે. હોળી-ધળેટીને ગણતારીના દિવસ બાકી છે ત્યારે સુરતથી ઉત્તરપ્રદેશ, બિહાર, ઓડિશા અને મધ્યપ્રદેશ તરફ જવા ટ્રેનોમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.
સુરતના ઉધના રેલવે સ્ટેશન પરથી વિશેષ ટ્રેનો દોડાવી પ્રવાસીઓને માદરે વતન રવાના કરવામાં આવ્યા હતા. પશ્ચિમ રેલવે દ્વારા અપનાવવામાં આવેલા ક્રાઉડ મેનેજમેન્ટના કારણે સ્ટેશન પર ભીડ હોવા છતાં કોઈપણ જાતની મુશ્કેલી વગર પ્રવાસીઓ સરળતાથી ટ્રેનમાં બેસીને વતન જઈ રહ્યા છે. ટ્રેન ઉપડવાના 5 કલાક પહેલા પ્રવાસીઓ રેલવે સ્ટેશન પહોંચી જાય છે. એટલે ઊધના રેલવે સ્ટેશન પર પ્રવાસીઓ માટે મંડપ, પાણી અને ચાર્જિંગ સહિત વેઈટિંગ એરિયાની સુવિધા ઉભી કરવામાં આવી છે. ઊધના જંકશન ઉત્તરભારત તરફ જતી ટ્રેનો માટેનું મુખ્ય કેન્દ્ર છે. દર વર્ષે હોળી પહેલા અહીં શ્રમિકોની કીડિયારું ઉભરાય તેવી સ્થિતિ સર્જાય છે.
ઊધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 6 પર ખાસ 10 જેટલા નાના શેડ બનાવવામાં આવ્યા છે. આ શેડમાં મુસાફરોને આકરા તાપથી બચાવવા માટે પંખા, રોશની માટે વીજળી અને પ્રવાસીઓની સૌથી મોટી જરૂરિયાત એવા ‘મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ભીડમાં ઉભેલા મુસાફરોની તરસ છિપાવવા માટે પ્લેટફોર્મ વિસ્તારમાં વધારાના 4 પીવાના પાણીના નળ મૂકાયા છે તેમજ રેલવે સુરક્ષા દળ (RPF) અને સ્થાનિક પોલીસ દ્વારા સંયુક્ત રીતે ‘ક્રાઉડ મેનેજમેન્ટ’ કરવામાં આવી રહ્યું છે. પ્રવાસીની ભીડ વચ્ચે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે સ્ટેશન પર સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રેલવે સુરક્ષા દળ (RPF)ના 50 જવાનો, GRPના 40 જવાનો અને 30 જેટલા ચેકિંગ સ્ટાફને સ્ટેશન પર તહેનાત કરવામાં આવ્યા છે, જનરલ ટિકિટ ધારકોને કતારબદ્ધ રીતે ટ્રેનમાં બેસાડવાની પદ્ધતિ અમલી બનાવતા અફરાતફરી ટળી હતી.


