થરાદ, 9 જાન્યુઆરી 2026: દર શિયાળાની સીઝનમાં વિદેશથી મોટી સંખ્યામાં પક્ષીઓ ગુજરાતની સહેલગાહે આવતા હોય છે. ત્યારે ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટના રણમાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. 120થી વધુ પ્રજાતિના પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપીને નડાબેટ પહોંચ્યા છે. આ યાયાવર પક્ષીઓ મુખ્યત્વે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે (CAF) દ્વારા આવે છે. યાયાવર પક્ષીઓ રશિયા (સાઇબિરીયા), કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, મોંગોલિયા, ચીનના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો, કિર્ગીઝસ્તાન, તાજિકિસ્તાન, અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશોમાંથી શિયાળો ગાળવા નડાબેટ પહોંચ્યા છે.
ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટના રણમાં ભરાયેલા પાણીમાં છબછબિયા કરવા માટે મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બન્યા છે. નડાબેટ વેટલેન્ડમાં મુખ્યત્વે ફ્લેમિંગો અને પેલિકન જેવા પક્ષીઓ જોવા મળે છે. આ વિદેશી પક્ષીઓના કલરવથી રણ વિસ્તાર ગુંજી ઉઠ્યો છે. પક્ષી પ્રેમીઓ પણ આ અદ્ભુત દ્રશ્યોને નિહાળવા મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. તાજેતરમાં નડાબેટ ખાતે વેટલેન્ડ પક્ષી ગણતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત અને અન્ય રાજ્યોના 120 લોકોએ 40 જુદા જુદા પોઈન્ટ પર પક્ષીઓની ગણતરી કરી હતી. આ ગણતરી દરમિયાન 120થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ નોંધાઈ હતી.
ગુજરાતમાં નડાબેટ ઉપરાંત કચ્છના નાના રણ વિસ્તાર, નળસરોવર, થોળ, પોરબંદર અને જામનગર સહિત ભરાયેલા પાણીમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ જોવા મળી રહ્યા છે. જેમાં નડાબેટ વેટલેન્ડમાં મુખ્યત્વે ફ્લેમિંગો અને પેલિકન જેવા પક્ષીઓ જોવા મળી રહ્યા છે.


