
- ડમ્પરચાલકે ચેકિંગ અધિકારીઓને જોઈ ડમ્પર પૂર ઝડપે ભગાડ્યું,
- ચાલુ ડમ્પરમાંથી રેતી ખાલી કરીને ફરાર થઈ ગયો,
- ડમ્પર માલિક વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
ભાવનગરઃ જિલ્લામાં ખનીજ ચોરીના બનાવો વધતા જાય છે. ત્યારે જિલ્લાના તળાજા ચોકડી પાસે ભૂસ્તર કચેરીના માઇન્સ સુપરવાઇઝર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન એક રેતી ભરેલા ડમ્પર ડ્રાઇવરે ચેકિંગ અધિકારીઓને જોઈ ડમ્પર પૂર ઝડપે ભગાડ્યું હતું અને ચાલકે ચાલુ ડમ્પરમાંથી રોડ પર રેતી ખાલી કરી ડમ્પરને લઈને ફરાર થઈ ગયો હતો, દરમિયાન અધિકારીઓએ ડમ્પરનો પીછો કર્યો હતો.પણ ડમ્પર ચાલક ફરાર થવામાં સફળ રહ્યો હતો. આથી માઈન્સ સુપરવાઇઝર અધિકારીએ ડમ્પર માલિક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત એવી છે કે, ભાવનગર જિલ્લા ખનીજ ખાતાના માઈન્સ સુપરવાઇઝર અધિકારી ગોવિંદભાઈ પીઠીયા તેમજ સ્ટાફ તળાજા ચોકડીથી પાલીતાણા રોડ ઉપર ખનીજ માફિયાઓના ટ્રકોના ચેકિંગમાં હતા તે વેળા એક ડમ્પર ચાલક તેના ડમ્પરમાં સાદી રેતી ઓવરલોડ ભરી રોડ ઉપરથી નીકળ્યો હતો, જેનો આધાર પુરાવા માટે ડમ્પર ચાલકને ઉભો રખાતા ડમ્પર ચાલકે પુરપાટ ઝડપે ડમ્પર ભગાડી મૂક્યું હતું આથી ડમ્પરની પાછળ અધિકારીઓએ પીછો કર્યો હતો. દરમિયાન ડમ્પર ચાલકે ચાલુ ટ્રકે રેતી રોડ ઉપર ખાલી કરી ડમ્પર લઈને ફરાર થઈ ગયો હતો, જે બાદ અધિકારીઓની તપાસમાં ડમ્પર માલિક જયરાજસિંહ વિક્રમસિંહ જાડેજાનું હોવાનું ખુલતા માઈન્સ સુપરવાઇઝર અધિકારીએ ડમ્પર માલિક વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી બી.એમ.જાલોંધરાએ જણાવ્યું હતું કે, વહેલી પરોઢે ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ, ભાવનગર ટીમ તળાજા પાલીતાણા રોડ પર ચેકીંગમાં હતી તે દરમિયાન એક રેતી ભરેલું ડમ્પર નીકળતા તેને રોકી પૂછપરછ કરવાની કોશિશ કરતા ડમ્પર ચાલકે ડમ્પરને ઉભી ન રાખતા ચાલુ રસ્તે રોડ પર રેતી ખાલી કરી ભાગી ગયો હતો. અધિકારીઓએ પોતાના મોબાઈલમાં રોડ પર રેતી ખાલી કરતો વિડિયો પણ ઉતાર્યો હતો. ખનીજ અધિકારીએ ડમ્પર ચાલક અને માલિક વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ખનીજ વિભાગના સૂત્રોએ ઉમેર્યું હતું કે, તળાજા તાલુકાના ત્રાપજ ગામે સર્વે નંબર 266 ની સ્થળ તપાસ કરતા 1382 મે. ટન જથ્થો ગેર કાયદેસર સંગ્રહ કરી વેચાણ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ જગ્યા ત્રાપજ ગ્રામ પંચાયત હસ્તક ની ગૌચરની હોવાનું ધ્યાને આવતા રેતી ખનીજ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.