સાયલા તાલુકાના મોટા કેરાળા ગામે ખનીજ વિભાગના દરોડા, 3 કરોડનો મુદ્દામાલ સીઝ
સુરેન્દ્રનગર, 2 ફેબ્રુઆરી 2026: સુરેન્દ્રનગર જિલ્લો ખનીજચોરીમાં જાણીતો છે. ત્યારે તંત્રએ પણ ખનીજચોરો સામે લાલા આંખ કરી છે. દરમિયાન સાયલા તાલુકામાં ખનીજ માફિયાઓ પર તંત્રએ સતત ચોથા દિવસે તવાઈ બોલાવી છે. મોટા કેરાળા ગામ પાસે ભોગાવો નદી નજીક આવેલી બ્લેક ટ્રેપ પથ્થરની ખાણ પર ખનીજ વિભાગની ટીમે દરોડો પાડી અંદાજે 3 કરોડ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ સીઝ કરતા ખનીજચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ખનીજ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સાયલા તાલુકાના મોટા કેરાળા ગામ નજીક બ્લેક ટ્રેપ પથ્થરની ખાણ પર રેડ પાડવામાં આવી હતી. દરોડા દરમિયાન ખાણ પરથી ગેરકાયદે ખનનના સાધનોને સીઝ કરવામાં આવ્યા હતા. ખનીજની હેરાફેરી માટે વપરાતા 17 ડમ્પર, જમીન ખોદકામ માટે વપરાતા 2 એક્સકેવેટર મશીન સહિત કુલ મળીને 3 કરોડ રૂપિયાથી વધુનો મુદ્દામાલ સીઝ કરી કેરાળા રોડ પરની ક્વોરી ખાતે રાખવામાં આવ્યો છે. તપાસ દરમિયાન ખાણ પરથી સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાવતા દ્રશ્યો સામે આવ્યા હતા. ખાણ પર બ્લાસ્ટિંગ માટે વપરાતા એક્સપ્લોઝિવ (વિસ્ફોટકો) રઝળતી હાલતમાં મળી આવ્યા હતા. ગેરકાયદે ખનન માટે આ ખતરનાક વિસ્ફોટકોનો ઉપયોગ થતો હોવાની આશંકાએ તંત્ર દ્વારા આ મામલે પણ ગંભીર નોંધ લેવામાં આવી છે.
સાયલા વિસ્તારમાં કાર્બોસેલ અને પથ્થરની ચોરીના બનાવો વધી રહ્યા છે. ખનીજ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પથ્થરની ખાણમાંથી અત્યાર સુધી કેટલું ગેરકાયદે ખોદકામ થયું છે તેની ચોકસાઈપૂર્વક માપણી કરવામાં આવશે. માપણી બાદ ખનીજ ચોરીની ચોક્કસ રકમ નક્કી કરી જવાબદારો પર મોટો દંડ ફટકારવામાં આવશે.


