1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. માણસામાં કલોલ ત્રણ રસ્તા નજીક એસટી બસની અડફેટે સગીરનું ઘટના સ્થળે મોત
માણસામાં કલોલ ત્રણ રસ્તા નજીક એસટી બસની અડફેટે સગીરનું ઘટના સ્થળે મોત

માણસામાં કલોલ ત્રણ રસ્તા નજીક એસટી બસની અડફેટે સગીરનું ઘટના સ્થળે મોત

0
Social Share
  • એક્ટિવા પાસે ઊભેલા એક 17 વર્ષીય સગીરને એસટી બસે અડફેટમાં લીધો,
  • એસટી બસના તોતિંગ વ્હીલ સગીર પર ફરી વળ્યા,
  • માણસા પોલીસે બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગરઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે માણસાના કલોલ ત્રણ રસ્તા પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. માણસામાં કલોલ ત્રણ રસ્તા નજીક ST બસના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે બસ હંકારીને એક્ટિવા પાસે ઊભેલા એક 17 વર્ષીય સગીરને અડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓ થવાથી મોત નીપજ્યું હતુ. આ અંગે માણસા પોલીસ બસ ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ઇટલા ગામના મહાદેવવાળો વાસમાં રહેતા જગતસિંહ ચંદુજી ઠાકોરનો 17 વર્ષીય મોટો પુત્ર રાહુલ ગઈકાલે રવિવારે કલોલ ત્રણ રસ્તા પાસે ડૉ. પરમારની હોસ્પિટલ સામે રોડની બાજુમાં એક્ટિવા પાર્ક કરીને પોતાના મિત્ર ઠાકોર સંજય નટવરજી સાથે કામ અર્થે ઊભો હતો. આ સમયે માણસા ડેપો તરફથી આવતી એસટી બસના ચાલકે પોતાની બસ પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને રાહુલને ટક્કર મારી દીધી હતી. આ અકસ્માત સર્જાતા રાહુલ રોડ પર પટકાયો હતો. એજ ઘડીએ બસનું ટાયર તેના પરથી ફરી વળ્યું હતું. જેથી રાહુલનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું.

આ અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકઠું થયું ગયું હતું. બાદમાં કોઈએ 108 એમ્બ્યુલસને ફોન કરતા રાહુલને માણસા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. અકસ્માતની જાણ થતાં રાહુલના પિતા જગતસિંહ ઠાકોર વિજાપુરથી માણસા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા, જ્યાં દીકરાને મૃત હાલતમાં જોઈ તેઓ ભાંગી પડ્યા હતા. આ કરુણ ઘટનાને પગલે ઇટલા ગામના ઠાકોર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ અંગે માણસા પોલીસે બસચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code