અમદાવાદ, 9 જાન્યુઆરી 2026: શહેરના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે કેન્દ્રીય રમત ગમત મંત્રી મનસુખ માંડવીયા અને ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી તથા રમતગમત મંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં સ્પોર્ટ્સ ગવર્નન્સ કોંકલેવ યોજાઈ હતી.
અમદાવાદ ખાતે આયોજિત સ્પોર્ટ્સ ગવર્નન્સ કોન્ક્લેવમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયાએ ગુજરાતના સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન મુજબ હવે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ સિટી પ્લાનિંગનો જ એક અભિન્ન ભાગ બની ગયું છે. સરકારનું મુખ્ય લક્ષ્ય 2036ના ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને એવા આંતરરાષ્ટ્રીય સ્તરના માળખાકીય સુવિધાઓ તૈયાર કરવાનું છે, જે ભવિષ્યની મોટી વૈશ્વિક ઇવેન્ટ્સ માટે પાયાનું કામ કરે. વર્ષ 2014 પછી દેશમાં ‘ખેલો ઇન્ડિયા’ અને ‘ફિટ ઇન્ડિયા’ જેવા અભિયાનો દ્વારા જે સ્પોર્ટ્સ કલ્ચર વિકસ્યું છે, તે હવે ‘ખેલો ભારત’ નીતિ અને 2036 ઓલિમ્પિક્સના મક્કમ સંકલ્પ તરફ આગળ વધી રહ્યું છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભારતનો અભિગમ હવે સંપૂર્ણપણે ‘એથલીટ સેન્ટ્રિક’ બની રહ્યો છે. વર્ષોથી પડતર રહેલા ‘સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ’ દ્વારા ફેડરેશનોમાં પારદર્શિતા લાવવામાં આવશે જેથી ખેલાડીઓના હિતોને સર્વોપરી રાખી શકાય. આગામી 10 વર્ષ માટે ખાસ ‘મેડલ સ્ટ્રેટેજી’ તૈયાર કરવામાં આવી છે, જેનો અંતિમ ઉદ્દેશ્ય વર્ષ 2047 સુધીમાં ભારતને દુનિયાના ટોચના પાંચ સ્પોર્ટ્સ રાષ્ટ્રોમાં સામેલ કરવાનો છે. આ ઉપરાંત નવી શિક્ષણ નીતિ હેઠળ રમતગમતને શૈક્ષણિક ક્રેડિટ સાથે જોડીને ખેલાડીઓ માટે સુરક્ષિત કારકિર્દી અને નિવૃત્તિ પછી કોચિંગ કે મેનેજમેન્ટમાં નવી તકો ઊભી કરવામાં આવશે.
આ પ્રસંગે મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતમાં આવેલી રમતગમતની ક્રાંતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભને કારણે રાજ્યના ખેલાડીઓની માનસિકતા બદલાઈ છે અને આ વર્ષે 73 લાખ ખેલાડીઓની વિક્રમી સહભાગીદારી નોંધાઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં માત્ર 20 મહિનામાં તૈયાર થયેલું વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેની ઝડપી કામગીરી અને આધુનિક સુવિધાઓનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે કેન્દ્રીય મંત્રીની નવી સ્પોર્ટ્સ બ્લુપ્રિન્ટને ‘રમત જગતની ગીતા’ ગણાવી હતી, જે આગામી 25 વર્ષો માટે દેશના ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડશે.
ગુજરાત સરકારની યોજનાઓ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે હવે છેવાડાના ગામડાના બાળકો પણ ઓલિમ્પિકમાં જવાનું સપનું જોઈ રહ્યા છે. ભારત વર્ષ 2036ના ઓલિમ્પિકમાં ટોચના 10 દેશોમાં સ્થાન મેળવવા માટે ‘પૂલ થી પોડિયમ’ રણનીતિ પર કામ કરી રહ્યું છે. જે અંતર્ગત શાળા સ્તરેથી ટેલેન્ટની શોધ કરી, તેમને AI અને સ્પોર્ટ્સ સાયન્સ જેવી આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવામાં આવશે. ‘વન સ્ટેટ, વન સ્પોર્ટ’ નીતિ અને સ્પોર્ટ્સ સાધનોના સ્વદેશી ઉત્પાદન દ્વારા ભારત રમતગમત ક્ષેત્રે સ્વનિર્ભર બની વૈશ્વિક ફલક પર નવી ઓળખ સ્થાપિત કરવા કટિબદ્ધ છે તેવી ચર્ચા આ કોન્ક્લેવમાં કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઓલિમ્પિક એસોસિએશનના પ્રેસિડેન્ટ પી.ટી. ઉષા, વાઈસ પ્રેસિડેન્ટ અજય પટેલ, સ્પોર્ટ્સ સેક્રેટરી રવિ રંજન, ગુજરાતના સ્પોર્ટ્સ સેક્રેટરી રાહુલ ગુપ્તા સહિત વિવિધ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રતિનિધિઓ અને આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


