
મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે, પીએમ મોદી સાથે કરશે મુલાકાત
નવી દિલ્હીઃ મોંગોલિયાના રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખના ભારતના પ્રવાસે આવ્યાં છે. તેઓ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરશે. જ્યાં બંને પક્ષો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. વાટાઘાટો પછી અનેક સમજૂતી કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. મોંગોલિયન રાષ્ટ્રપતિ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે, અને રાષ્ટ્રપતિ મુર્મુ તેમના માનમાં ભોજન સમારંભનું આયોજન કરશે. મોંગોલિયન રાષ્ટ્રપતિ ખુરેલસુખ ઉખ્ના ભારતની ચાર દિવસની મુલાકાતે ગઈકાલે નવી દિલ્હી પહોંચ્યા હતા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
મોંગોલિયાના રાષ્ટ્રપતિની સાથે કેબિનેટ મંત્રીઓ, સંસદસભ્યો, વરિષ્ઠ અધિકારીઓ, વ્યાપારી નેતાઓ અને સાંસ્કૃતિક પ્રતિનિધિઓનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ છે. રાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિ ખુરેલસુખની આ પહેલી ભારત મુલાકાત છે. ભારત અને મંગોલિયા વચ્ચે રાજદ્વારી સંબંધો 1955 માં સ્થાપિત થયા હતા. છેલ્લા સાત દાયકામાં, બંને દેશોએ સહિયારા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધો અને લોકશાહી મૂલ્યો પર આધારિત ગાઢ અને બહુપક્ષીય ભાગીદારી વિકસાવી છે.
આ ભાગીદારી સંરક્ષણ અને સુરક્ષા, સંસદીય આદાનપ્રદાન, વિકાસ ભાગીદારી, ઊર્જા, ખાણકામ, માહિતી ટેકનોલોજી, શિક્ષણ, આરોગ્યસંભાળ અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને આવરી લે છે. ભારત અને મોંગોલિયા વ્યૂહાત્મક ભાગીદારો, આધ્યાત્મિક પડોશી અને ત્રીજા પાડોશી છે. મોંગોલિયન રાષ્ટ્રપતિની આ રાજ્ય મુલાકાત બંને દેશોના નેતૃત્વને દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સમીક્ષા કરવા, વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટેનો માર્ગ તૈયાર કરવા અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.