
- અપર એર સાઇક્લોનિક સિસ્ટમ ફંટાતા આજથી ઉઘાડ નિકળ્યો
- બુધવારે બપોર સુધીમાં 8 તાલુકામાં સામાન્ય ઝાપટાં પડ્યા
- સમુદ્રમાં કરંટને લીધે દરિયો તોફાની બનશે
અમદાવાદઃ ગુજરાતમાં મે મહિનામાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પણ આ વખતે મેના છેલ્લા સપ્તાહમાં આવેલા વાતાવરણમાં પલટાને કારણે ગરમીમાં ઘટાડો થયો છે. તેમજ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજે બુધવારે બપોર સુધીમાં દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના 8 તાલુકામાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા. રાજ્યમાં હાલ સક્રિય અપર એર સાઇક્લોનિક સરક્યુલેશન સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, પરંતુ આ સિસ્ટમ અરબી સમુદ્ર તરફ આગળ વધતાં આજે મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ નિકળ્યો છે. હવામાનના જાણકારોના કહેવા મુજબ ગુજરાતમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ 15મી જુનથી થશે.
હવામાન વિભાગના સૂત્રોના કહેવા મુજબ રાજ્યમાં અપર એર સાઇક્લોનિક સરક્યુલેશનની સિસ્ટમને કારણે પ્રી-મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદની શક્યતા હતી, પરંતુ આ સિસ્ટમ નબળી પડી પૂર્વ દિશામાં અરબી સમુદ્ર તરફ આગળ વધી રહી છે, જેને કારણે 15 જૂન પહેલાં વરસાદની શક્યતા નહિવત્ છે. આજે બુધવારે દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની તીવ્ર અસર જોવા મળી રહી છે. જ્યારે વહેલી સવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. તેમજ વલસાડના પારડી, ધરમપુર, કપરાડામાં વરસાદી માહોલ જામ્યો છે. બીજી બાજુ ડાંગરના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે દક્ષિણ ગુજરાતમાં આજે બપોર સુધીમાં અડધો ઈંચથી વધુ સુધી નોંધાયો નથી.
દ્વારકાના અરબી સમુદ્રમાં આજે ભારે કરંટ જોવા મળી રહ્યો છે, જેના કારણે ગોમતી ઘાટ પર 15 થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાનું આ રૌદ્ર સ્વરૂપ જોવા માટે લોકપ્રિય ઘાટ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ઉમટી પડ્યા છે.”ગાંડોતુર” અને “રોદ્ર સ્વરૂપ” ધારણ કરેલો દરિયો શક્તિશાળી પવનોને કારણે ઉછળી રહ્યો છે. ફાયર બ્રિગેડના જવાનો અને સિક્યુરિટી ગાર્ડ ને ગોમતી ઘાટ પર તૈનાત કરવામાં આવ્યા છે.