
- અંડરબ્રિજમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ,
- વર્ષો પહેલા નાખવામાં આવેલી પાઈપલાઈન અને ચેમ્બરોમાં કચરો ફસાતા સ્થિત સર્જાઇ,
- ઓળક ગામમાં ધોધમાર વરસાદથી 35થી વધુ ઘરમાં વરસાદી પાણી ભરાયા
સુરેન્દ્રનગરઃ શહેરમાં ભારે વરસાદને લીધે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેમાં રાજ હોટલ પાસેના રેલવે અંડરબ્રીજમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. આમ તો આ અન્ડરબ્રિજમાં છેલ્લા ઘણા વર્ષોથી દર ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો સહિત લોકોને હાલાકી પડી રહી છે. ત્યારે સામાજીક સંસ્થા દ્વારા મનપા કમિશનર તેમજ કલેકટરને લેખિત રજૂઆત કરી અંડરબ્રિજમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માગણી કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર શહેરમાં વરસાદ પડતા રાજ હોટલ પાસે આવેલા રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઆ ગયા છે. અન્ડર બ્રિજમાં વરસાદી પાણીના નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી. દર ચોમાસામાં અન્ડરબ્રિજમાં પાણી ભરાઈ જતા હોય છે. અને અંડર બ્રિજને આડસ મુકી વાહન વ્યવહાર બંધ કરવાની નોબત આવે છે. અગાઉ વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે અંડરબ્રિજથી ભોગાવો નદી સુધી પાઈપલાઈન નાંખીને થોડા થોડા અંતરે ચેમ્બરો બનાવી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવી હતી. આથી તે સમયે પાણીનો નિકાલ સહેલાઈથી થતો હતો અને ચાલુ વરસાદમાં પણ અંડરબ્રીજમાંથી વાહન વ્યવહાર શરૂ રહેતો હતો પરંતુ હાલ વરસાદ પડતા જ રેલવે અંડરબ્રીજમાં પાણી ભરાઈ રહેતા વાહન વ્યવહાર માટે અંડરબ્રીજને સંપૂર્ણ બંધ કરી દેવાયો છે. આ સમસ્યાનો કાયમી ઉકેલા લાવવા માટે પાઈપલાઈન તથા ચેમ્બરોની રેલવે અંડરબ્રીજથી ભોગાવો નદી સુધી સંપૂર્ણ સફાઈ કરવામાં આવે તેવી માંગ સાથે સામાજીક સંસ્થા જન કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા મનપાના સત્તાધીશોને રજુઆત કરવામાં આવી છે.
જિલ્લાના લખતર તાલુકામાં શુક્રવારે એક જ દિવસમાં ૩.૫ ઈંચ કરતા પણ વધુ વરસાદ ખાબકતા લખતર શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા રહિશો સહિત વાહનચાલકોને હાલાકી પડી રહી છે. તાલુકાના ઓળક ગામનો રામદેવનગર વિસ્તાર જાણે બેટમા ફેરવાયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. રામદેવનગરમા આશરે 35થી વધુ ઘરોની અંદર વરસાદી પાણી ઘુસી જતા રામદેવનગરના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી હતી. સમગ્ર વિસ્તારમાં કેડ સમા પાણી ભરાઈ જતા પશુપાલન સાથે સંકળાયેલ લોકોને પોતાના પશુનું દૂધ ભરવા ગામની ડેરીએ જઇ શક્યા નહોતા. વિસ્તારમા વરસાદી પાણી ફરી વળતા બાળકો પણ સ્કૂલે જઇ શક્યા નહોતા તથા લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું.