
- કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરીને લેખિત રજુઆત કરી,
- પાલનપુર એરોમા સર્કલ ખાતે સજાતી ટ્રાફિકની સમસ્યા મુદ્દે પણ રજુઆત,
- ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવા ગડકરીએ આપી સુચના
પાલનપુરઃ ભારતમાલા હાઈવે માટે જમીન સંપાદનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો અગાઉ આક્ષેપ કર્યા બાદ સાંસદ ગનીબેન ઠાકોરે ભારત સરકારના માર્ગ અને પરિવહન મંત્રી નિતીન ગડકરી અને વિભાગના મુખ્ય સચિવ ઉમાશંકરને બનાસકાંઠા જિલ્લાની જુદી જુદી બે મહત્વપૂર્ણ સમસ્યાઓ બાબતે લેખિત રજૂઆત કરી હતી. જેમાં પ્રથમ સમસ્યામાં પાલનપુરમાં એરોમા સર્કલ તથા થરાદ–અમદાવાદ ભારતમાલા માર્ગ માટે ખેડૂતોને યોગ્ય વળતર મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પાલનપુર એરોમા સર્કલ ખાતે સજાતી ટ્રાફિકની સમસ્યા મુદ્દે નીતિન ગડકરીને રજૂઆત કર્યા બાદ સાંસદને પ્રત્યુતર મળ્યો હતો કે આગામી સમયમાં ઓવરબ્રિજની જરૂરિયાત ઊભી થાય તો તેના નિર્માણ માટે સ્થાનિક અધિકારીઓને ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તાત્કાલિક તૈયાર કરી મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે. આગામી ચાર મહિનામાં પ્રગતિ રિપોર્ટની સમીક્ષા બાદ આગળની કાર્યવાહી શરૂ થશે.
સાસંદ ગનીબેન ઠાકોરે થરાદ અમદાવાદ ભારતમાલા એક્સપ્રેસ વે માટે ખેડૂતોને વળતર મુદ્દે પણ ભારપૂર્વક રજૂઆત કરી હતી. જેમાં હવે 2011ની જંત્રીને બદલે 2025 ની જંત્રી મુજબ વળતર આપવા સાંસદે રજૂઆત કરી હતી. જે તાલુકાઓમાંથી રોડ પસાર થાય છે તે તાલુકાના સૌથી ઊંચા દર વાળા ગામ મુજબ ચુકવણું કરવા પણ જણાવાયું હતું. શહેરી વિસ્તારોની જમીન બજાર ભાવ મુજબ મૂલ્યાંકિત કરવા અને ખેડૂત હિતને પ્રાથમિકતા આપીને લોકલ કમિટીની ભલામણ મુજબ ચુકવણું કરવા રજૂઆત બાદ પરિવહન મંત્રી દ્વારા યોગ્ય કરવાની ખાતરી આપી હતી