સુરત, 30 માર્ચ 2026: Pedestrian dies after being hit by unknown bike શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક હીટ એન્ડ રનનો બનાવ ગત રાત્રે ડીંડોલી વિસ્તારમાં બન્યો છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં અજાણ્યા બાઈકચાલકે રાહદારીને ટક્કર મારતા તેનું મોત નિપજ્યું હતું. મૃતક યુવાન મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્યુન તરીકે નોકરી કરતો હતો. અકસ્માત સર્જ્યા બાદ એવેન્જર બાઇકનો ચાલક પોતાની બાઈક સાથે ફરાર થઈ ગયો હતો, પોલીસે સીસીટીવીના કૂટેજના આધારે બાઈકચાલકની ધરપકડની તજવીજ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના ડીંડોલી વિસ્તારમાં શુભમ બિહડે નામને યુવાન મોડી રાતે કોઈ કામ પતાવીને પોતાના ઘરે જઈ રહ્યો હતો, ત્યારે પૂર ઝડપે અજાણ્યા બાઈકચાલકે શુભમને અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવની આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને અકસ્માતના બનાવની પોલીસને જાણ કરી હતી. મૃતક યુવાનની ઓળખ 32 વર્ષીય શુભમ બિહડે તરીકે થઈ છે. શુભમ સુરત મહાનગરપાલિકામાં પ્યુન તરીકે ફરજ બજાવતો હતો. અને ખરવાસા રોડ પર આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતો હતો. તે પોતાના પરિવારનો આધારસ્તંભ હતો, જેના અકાળે અવસાનથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો મળી છે કે, શુભમ જ્યારે રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે સામેથી પૂરપાટ ઝડપે એક એવેન્જર બાઇક આવી રહી હતી. બાઇકચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા શુભમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે શુભમ હવામાં ફંગોળાયો હતો અને તેને માથા તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. અકસ્માત બાદ બાઇકચાલક માનવતા નેવે મૂકીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા જ ડીંડોલી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે. ફરાર એવેન્જર ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કરીને પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


