
- પગપાળા પરિક્રમામાં મોટા સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લેશે
- નર્મદા જિલ્લામાં યોજાતી પરિક્રમા માટે ચાલતી તૈયારીઓ
- પરિક્રમાના રૂટમાં લાઈટ, પાણી, છાયડો, સેવાકેન્દ્રો સહિત વ્યવસ્થા ઊભી કરવામાં આવી
રાજપીપળાઃ નર્મદા નદીની પરિક્રમાનું અનેરૂ મહાત્મ્ય છે. જે શ્રદ્ધાળુઓ નર્મદા નદીની પુરી પરિક્રમા કરી શકતા નથી એવા શ્રદ્ધાળુઓ માટે 14 કિલો મીટરની ઉત્તરવાહિની પરિક્રમાનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે. નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભાવિકભક્તો શ્રદ્ધાળુઓ 14 કિ.મી.ની પગપાળા પરિક્રમા કરે છે. એક મહિનો ચાલનારી આ પરિક્રમાનો પ્રારંભ આગામી તા. 29મી માર્ચથી થશે
નર્મદા નદીની ઉત્તરવાહિની પરિક્રમામાં દર વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને અન્ય રાજ્યમાંથી લોકો આ પરિક્રમા કરવા આવતા હોય છે જે તંત્ર દ્વારા પરિક્રમાનો પ્રારંભ અને પૂર્ણતા શાંતિપૂર્ણ રીતે થાય તેવા પ્રયાસો હાથ ધરાયા છે. ૨૯ માર્ચથી એક મહિના સુધી પરિક્રમા શરુ થશે પરિક્રમાવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે તંત્ર તૈયારીઓેને આખરી ઓપ આપી રહયું છે. 500થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓને પરિક્રમા રૂટ પર તમામ તૈયારીઓ માટેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.
નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા રામપુરા ઘાટ, રણછોડરાયના મંદિરેથી પ્રારંભ કરીને શહેરાવ ઘાટ, તિલકવાડા મણીનાગેશ્વર મંદિર, રેંગણઘાટ, કીડીમકોડી ઘાટ થઈને પરત રામપુરા સુધી આ પરિક્રમા કરીને શ્રદ્ધાળુઓ સ્નાન કરીને પરિક્રમા પુરી કરે છે. આ સમગ્ર રૂટ દરમિયાન લાઈટ, પાણી, છાયડો, સેવાકેન્દ્રો અને ડોમની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ પરિક્રમાના સુચારૂ આયોજન અમલવારી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે હાલ જે સહેરાવથી તીકલવાડા ઘાટ પર હંગામી કાચો પુલ 3 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે અને આવનારા દિવસોમાં લાખોની સંખ્યામાં ભક્તો આવતા તંત્ર દ્વારા તમામ પ્રકારની સુવિધાઓ પણ કરવામાં આવશે.
નર્મદા પરિક્રમા પૂર્વે નિવાસી અધિક કલેક્ટરની અધ્યક્ષતામાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના પ્રતિનિધિ અને જિલ્લાના મહત્વના અમલીકરણ અધિકારીઓની પરિક્રમા સંદર્ભે બેઠક યોજાઈ. હતી. નર્મદાના અધિક કલેક્ટર સી કે ઉઘાડે જણાવ્યું કે, આગામી તા.29મી માર્ચથી 27મી એપ્રિલ-2025 સુધી એક મહિનો ચાલનારી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાના સૂચારૂ આયોજન અમલવારી માટે કલેક્ટર સભાખંડમાં બેઠક મળી હતી. બેઠક બાદ સ્થળ વિઝીટ અને જરૂરી સૂચનો સુવિધા સંદર્ભે વહીવટી તંત્રની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.