1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતમાં જાન્યુઆરી-2026ના અંત સુધીમાં નવી જંત્રીનો અમલ થવાની શક્યતા
ગુજરાતમાં જાન્યુઆરી-2026ના અંત સુધીમાં નવી જંત્રીનો અમલ થવાની શક્યતા

ગુજરાતમાં જાન્યુઆરી-2026ના અંત સુધીમાં નવી જંત્રીનો અમલ થવાની શક્યતા

0
Social Share
  • નવી જંત્રીથી સરકારની આવક વધશે પણ મકાનોના ભાવ આસમાને જશે
  • નવી જંત્રીથી રિઅલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી આવવાની શક્યતા
  • સરકાર વાંધા-સુચનોને ધ્યાનમાં લઈને નિર્ણય કરશે

અમદાવાદઃ ગુજરાત સરકારે નવી જંત્રીનો ડ્રાફ્ટ તૈયાર કરીને નાગરિકો પાસે વાંધા સુચનો મંગાવ્યા હતા. સરકારે વાંધા સુચનોનો અભ્યાસ કર્યા બાદ આખરી ડ્રાફ્ટ તૈયાર કરી દીધો છે. પણ કોઈ કારણસર સરકારે નવી જંત્રીની જાહેરાતમાં વિલંબ કર્યો હતો. હવે આગામી જાન્યુઆરી-2026ના મધ્ય અથવા અંત સુધીમાં નવી જંત્રીની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. ‘વૈજ્ઞાનિક ઢબે’ તૈયાર કરાયેલા નવા દરોથી જમીન અને મકાનોના ભાવમાં મોટો ઉલટફેર જોવા મળે તેવી શક્યતા છે.

ગુજરાતમાં નવી જંત્રીના અમલથી મકાનો અને જમીનોના ભાવ વધવાની શક્યતા છે. જો જંત્રીના દર વધશે તો દસ્તાવેજ કરાવતી વખતે ભરવી પડતી સ્ટેમ્પ ડ્યુટી અને રજીસ્ટ્રેશન ફીમાં વધારો થશે. જંત્રી વધવાથી એફ.એસ.આઈ (FSI) ના દર પણ વધે છે, જેની સીધી અસર ફ્લેટ કે બંગલાની કિંમત પર પડે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા આગામી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થાય તે પૂર્વે જ નવી જંત્રી અમલી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. બજેટ પહેલા આ નિર્ણય લેવા પાછળનું મુખ્ય કારણ મહેસૂલી આવકમાં વધારો અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં પારદર્શિતા લાવવાનું છે. નવી જંત્રી લાગુ થવાથી શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મિલકતોના સરકારી ભાવ બદલાશે, જેની સીધી અસર દસ્તાવેજ નોંધણી (Stamp Duty) અને પ્રોપર્ટી માર્કેટ પર પડશે.

સૂત્રોના કહેવા મુજબ ગુજરાત સરકાર દ્વારા અગાઉ 13 એપ્રિલ-2023ના રોજ નવી જંત્રી અમલમાં મૂકવામાં આવી હતી. જોકે, તે સમયે દરોમાં રહેલી વિસંગતતાઓને કારણે ખેડૂતો અને બિલ્ડર લોબી દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. અગાઉની જંત્રીમાં અનેક વિસ્તારોમાં બજાર ભાવ કરતા જંત્રી વધી ગઈ હતી અથવા તો પડોશી સર્વે નંબરો વચ્ચે મોટો તફાવત હતો. આ વિરોધને ધ્યાને રાખીને નવેમ્બર-2024માં સરકારે લોકો પાસેથી વાંધા-સૂચનો મંગાવ્યા હતા. હવે આ સૂચનોનો અભ્યાસ કરીને વૈજ્ઞાનિક પદ્ધતિથી નવા દર નક્કી કરવામાં આવ્યા છે. સરકારે દાવો કર્યો છે કે આ વખતે જંત્રી ‘વૈજ્ઞાનિક’ છે, પરંતુ જાન્યુઆરીમાં નવા દરો જાહેર થયા બાદ જ ખબર પડશે કે જનતા અને બિલ્ડરો તેને કેટલી આવકારે છે. જો લોકોના વાંધા-સૂચનોને યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવ્યા હશે, તો વિરોધની શક્યતા ઓછી રહેશે, અન્યથા રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફરી ગરમાવો જોવા મળી શકે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code