નાઇજીરિયાની સેનાએ દેશના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં આવેલા સૈનિક મથકો પર થયેલા ડ્રોન હુમલાના જવાબમાં બોકો હરામના 50થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા છે. સેના પ્રવક્તા સાની ઉબાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદીઓએ ગુરુવારે વહેલી સવારે બોર્નો અને યોબે રાજ્યોમાં સ્થિત સૈનિક મથકો પર એકસાથે અનેક હુમલા કર્યા હતા. સેનાએ અન્ય આતંકવાદીઓને ઠાર મારવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
સેનાના જણાવ્યા અનુસાર, જમીન અને હવાઈ દળોના સંયુક્ત અભિયાનથી આતંકવાદીઓને હરાવવામાં સફળતા મળી હતી. આ હુમલાઓ ઉત્તરી કેમરૂન અને યોબે રાજ્યના કતાર્કો ગામથી શરૂ કરવામાં આવ્યા હતા. સેના પ્રવક્તાએ જણાવ્યું કે હવાઈ દળના સહકારથી જમીનદળ હજીપણ અભિયાન ચાલુ રાખી રહ્યું છે અને આશરે 70થી વધુ ઘાયલ આતંકવાદીઓનો પીછો કરવામાં આવી રહ્યો છે.
સેના મુજબ, ગયા મહિને બોકો હરામના આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વી નાઇજીરિયાના દરુલ જમાલ ગામમાં રાત્રિના હુમલામાં ઓછામાં ઓછા 60 લોકોને મારી નાખ્યા હતા.છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી બોકો હરામના હુમલાઓમાં વધારો થયો છે, જેના કારણે હિંસાથી પીડિત નાઇજીરિયાના નાગરિકોની મુશ્કેલીઓ વધી છે.
બોકો હરામ એક સલાફી-જિહાદી સંગઠન છે, જે નાઇજીરિયાના ઉત્તર-પૂર્વી ભાગમાં ખાસ કરીને બોર્નો, આદમાવા અને યોબે રાજ્યોમાં સક્રિય છે. આ સંગઠનની સ્થાપના 2002માં મુહંમદ યુસુફ દ્વારા કરવામાં આવી હતી અને 2009થી તે હિંસક પ્રવૃત્તિઓમાં સક્રિય બન્યું હતું. સંગઠનનો મુખ્ય હેતુ નાઇજીરિયાની ધર્મનિરપેક્ષ સરકારને ઉખાડવો અને સમગ્ર દેશમાં શરિયા કાયદા પર આધારિત ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવો છે.


