
નવી દિલ્હીઃ દેશમાંથી આતંકવાદ અને નક્સલવાદને નાથવા માટે સુરક્ષા દળો દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં જ સુરક્ષા દળોએ છત્તીસગઢમાં 30થી વધારે નક્સલવાદીઓને ઠાર માર્યાં હતા. તેમજ મોટી સંખ્યામાં હથિયારો જપ્ત કર્યાં છે. બીજી તરફ નક્સલવાદીઓને ઝડપી લેવા માટે અભિયાન તેજ કરવામાં આવ્યું છે. ત્યારે છત્તીસગઢમાં છ મહિલા સહિત નવ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું હોવાનું જાણવા મળે છે.
છત્તીસગઢના સુકમા જિલ્લામાં આજે નવ માઓવાદીઓએ પોલીસ અને CRPFના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં આત્મસમર્પણ કર્યું છે. તેમાં છ મહિલા માઓવાદીઓનો સમાવેશ થાય છે. આ માઓવાદીઓ પર 26 લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આજે આત્મસમર્પણ કરનારા માઓવાદીઓ અનેક મોટી ઘટનામાં સામેલ હતા. અત્રે ઉલ્લેખની છે કે, સુરક્ષાદળો દ્વારા નક્સલવાદ ગ્રસ્ત વિસ્તારમાં સર્ચ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં જ અથડામણમાં 30 નક્સલવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા. એટલું જ નહીં ચારેક દિવસ પહેલા પણ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પાંચેક નક્સલવાદીઓના મોત થયાં હતા. તેમજ મોટી સંખ્યામાં સ્થળ પરથી હથિયારો મળી આવ્યાં હતા.