ખૈબર પખ્તુનખ્વામાં ગમખ્વાર માર્ગ અકસ્માત, નવ લોકોના મોત
લાહોરઃ પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં શનિવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. બસ સ્ટેન્ડ પાસે એક પેસેન્જર બસ અથડાઈ હતી. જેમાં નવ લોકોના મોત થયા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, કરક જિલ્લામાં સિંધુ હાઇવે પર અંબેરી કલ્લા નજીક આ અકસ્માત થયો હતો જ્યારે એક પેસેન્જર કોચ અને ટ્રેલર વચ્ચે અથડામણ થઈ હતી. આ અકસ્માત વધુ સ્પીડને કારણે થયો હતો. આ અકસ્માતમાં નવ લોકો માર્યા ગયા, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. પોલીસ અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તમામ જરૂરી તબીબી સુવિધાઓ પૂરી પાડવા નિર્દેશ આપ્યો હતો. ગંડાપુરે કહ્યું કે, સિંધુ હાઇવે પર થયેલા આ દુ:ખદ અકસ્માતમાં મૃતકોના પરિવારજનો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.