
- કોઝ વે પરથી બાઈક સ્લીપ થતા દંપત્તી અને બે નાના બાળકો નદીમાં પડ્યા હતા.
- ગ્રામજનોએ પતિ-પત્નીને બચાવી લીધી હતા,
- નદીમાં મગરના મોઢામાં એક બાળક દેખાયુ હતુ
વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામ નજીક ચાર દિવસ પહેલા ઢોઢર નદીના કોઝ-વે પરથી બાઈક પર પસાર થતા બાઈક સ્લીપ થઈને નદીમાં પડતા બાઈકસવાર પતિ-પત્ની અને તેના બે બાળકો ડૂબવા લાગ્યા હતા. આ બનાવની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા. અને પતિ-પત્નીને બચાવી લીધા હતા. પણ તેના બે બાળકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. છેલ્લા ચાર દિવસથી વડોદરા અને કરજણ ફાયરબ્રિગેડ તેમજ SDRFની ટીમોએ ઢાઢર નદીના 15 કિમીના પટમાં બોટની મદદથી શોધખોળ કરી છતાંયે બન્ને બાળકોની ભાળ મળી નથી. આ દરમિયાન એક મગરના મોઢામાં બાળક દેખાયું હતું, જેને પગલે બાળકોનાં પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયાં છે.
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કોટના ગામમાં રહેતા વૈશાલીબેન પઢીયાર વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના અલવા ગામમાં તેમના પિયરમાં બંને બાળકો સાથે નવરાત્રિ કરવા ગયા હતા. નવરાત્રિ પૂરી થયા પછી ગઈ તા. 5 ઓક્ટોબરે પતિ હિતેશભાઈ પત્ની અને બંને બાળકોને લેવા માટે અલવા ગામમાં ગયા હતા. પરિવારને લઇને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા, એ સમયે કોટના ગામ પાસે આવેલા ઢાઢર નદી પરના કોઝ-વે પર પાણી ફરી વળ્યા હતા. હિતેશભાઈએ પાણીમાંથી બાઇક પસાર કરી હતી. કોઝવેમાં બાઈક અડધે પહોંચી હતી, ત્યારે પાણીના પ્રવાહ વચ્ચે બાઇક સ્લિપ થઇ ગઇ હતી. બાઈક સ્લીપ ખાઈ જતા હિતેશભાઈ, તેમના પત્ની વૈશાલી, દોઢ વર્ષનો પુત્ર દેવાંશ અને 5 વર્ષનો પુત્ર સોહમ બાઇક પરથી નીચે પડી ગયા હતા અને પાણીના પ્રવાહમાં તણાવા લાગ્યાં હતાં. મોટા દીકરા સોહમને હિતેશભાઈએ પકડી રાખ્યો હતો. પાણીનો પ્રવાહ તેજ હોવાથી હિતેશભાઈ દીકરા સાથે 100થી 150 ફૂટ જેટલા દૂર સુધી તણાયા હતા. ત્યારબાદ તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા અને બેભાન થવા લાગ્યા હતા, જેથી દીકરા સોહમનો હાથ છૂટી ગયો હતો. તેઓએ દીકરાનો હાથ 5 મિનિટ સુધી પકડી રાખ્યો હતો. હિતેશ ભાઈ ડૂબવા લાગતાં તેઓએ બચાવો-બચાવોની બૂમાબૂમ કરવા લાગ્યા હતા. જેથી ત્યાં હાજર તેમના 2 ભાઈઓ નદીમાં કૂદી પડ્યા હતા અને હિતેશભાઈ અને તેમના પત્નીને બહાર કાઢ્યાં હતા, પરંતુ બંને બાળકો નદીમાં ડૂબી ગયા હતા.
સ્થાનિક લોકોએ રાત્રે નાવડીની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું, પરંતુ નદીમાં મગરો વધુ હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં ખૂબ જ મુશ્કેલી આવી હતી. જેથી રેસ્ક્યુ ઓપરેશન અટકાવવું પડ્યું હતું. બીજા દિવસે સવારે SDRF અને ફાયરબ્રિગેડની ટીમો ઘટના સાથે પહોંચી ગઈ હતી અને સવારથી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ સાંજ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો ન હતો. ચોથા દિવસે પણ રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું. પણ બંને બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી. SDRF, વડોદરા ફાયર બ્રિગેડ અને કરજણ ફાયર બ્રિગેડની ટીમો રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાયેલી છે. અત્યાર સુધીમાં કોટના કોઝવેથી આમોદ સુધી ઢાઢર નદીના 15 કિમી સુધીના વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે, પરંતુ બંને બાળકો હજુ સુધી મળ્યા નથી. દરમિયાન ઢાઢર નદીમાં મગરના મોઢામાં બાળકનો મૃતદેહ દેખાયો હતો. 5 વર્ષના બાળકે સફેદ રંગનો શર્ટ પહેર્યો હતો અને મગરના મોઢામાં પણ સફેદ કલરની વસ્તુ જોવા મળી હતી, સાથે જ બાળકના પગ જોવા મળ્યા હતા. જેથી બાળકોને મગર ખેંચી ગયા હોવાનું બહાર આવ્યું છે. જેને પગલે પરિવારજનો પણ ચિંતામાં મુકાઈ ગયા છે અને બાળકોના મૃતદેહ મળશે કે નહીં, તેની ચિંતા સતાવી રહી છે.