1. Home
  2. ગુજરાતી
  3. દુનિયામાં બધુ સારૂ નથી એમ બધુ ખરાબ પણ નથી
દુનિયામાં બધુ સારૂ નથી એમ બધુ ખરાબ પણ નથી

દુનિયામાં બધુ સારૂ નથી એમ બધુ ખરાબ પણ નથી

0
Social Share

(પુલક ત્રિવેદી)

રવિવાર રજાનો દિવસ હોય એટલે સામાન્ય રીતે ગુજરાતી પરિવારોમાં રસોડા સાંજે બંધ જ હોય. એ દિવસે પણ રવિવાર હતો. અમદાવાદમાં પ્રગતિનગર પાસેની એક વૈભવી રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે લોકોની ભારે ભીડ હતી. રેસ્ટોરન્ટના વેઇટિંગ રૂમમાં પણ લોકો તેમનો વારો આવવાની રાહ જોઈને બેઠા હતા. વેઇટિંગ રૂમ પાસેની પરસાળ અને રસ્તા વચ્ચેની જગામાં એક નાનકડી અને રૂપકડી સાતેક વર્ષની છોકરી કી-ચેઇનનો ઢગલો લઈને બેઠી હતી.

ડિનર કરવા આવતા અને જતા લોકોને એ કી-ચેઇન લેવા માટે એની કાલી ઘેલી ભાષામાં વિનવતી હતી. વેઇટિંગ રૂમમાં એનો નંબર આવવાની રાહ જોઈને બેઠેલો રૂપેશ આ છોકરીની ગતીવીધિઓ રસપૂર્વક જોઈ રહ્યો હતો. રૂપેશ વેઇટિંગ રૂમના દરવાજા બહાર આવીને પેલી છોકરી પાસે પહોંચી ગયો.

એણે છોકરીને નીચે નમીને કઈ-ચેઇનનો ભાવ પૂછ્યો.

છોકરીએ રૂપેશ કિ-ચેઇન લેશે એવી આશાભરી નજરે રૂપેશની સામે જોઈને કહ્યું, ‘અંકલ કોઈપણ કિ-ચેઇન લઈ લો માત્ર ₹ 20 છે.’

રૂપેશે છોકરીના હાથમાં વીસ રૂપિયા મૂકીને કહ્યું, ‘બેટા હું જમીને તારી પાસેથી કિ-ચેઇન લઈ જઈશ. તું અહીં જ બેઠી છું ને ?

પેલી છોકરીએ વિસ્મયભરી નજરે એની સામે જોઈ રહી. એણે કહ્યું, ‘ હા, અંકલ હું તો અહીં જ બેઠી છું. પણ તમે એક કિ-ચેઇન લઈ જાવ.’

રૂપેશને કિ-ચેઇન લેવામાં કોઈ રસ જ ન હતો. એને તો આ નાનકડી દીકરીને થોડી મદદ કરવી હતી. એટલે એણે ફરી કહ્યું, ‘બેટા, હું જમીને ચોક્કસ લઈ જઈશ. અત્યારે આને ક્યાં સાચવુ?’

એમ કહીને રૂપેશ ચાલવા લાગ્યો. હજુ તો વેઇટિંગ લોન્જના દાદરા પાસે એ માંડ પહોંચ્યો હશે ત્યાં પેલી છોકરી હાથમાં એક કિચન લઈને દોડતી એની પાછળ આવી અને એણે રૂપેશના હાથમાં કિ-ચેઇન મૂકી દીધી.

રૂપેશે નીચા નમીને છોકરીના માથે વાત્સલ્યથી હાથ મૂકીને કહ્યું, ‘બેટા, તને કીધું ને કે, હું પછી લઈ જઈશ.’

પરંતુ એ છોકરી એકની બે ન થઈ. રૂપેશે એ નાનકડી છોકરીની આંખોમાં દ્રઢતા અને સ્વાભિમાનની ખુમારી જોઇ. રૂપેશ એને ના ન પાડી શક્યો. એણે એ છોકરી સામે કોઈ દલીલ કર્યા વગર એની ખુદ્દારીને માન આપીને કિ-ચેઇન લઈને ખીસામાં મૂકી દીધી.

રૂપેશ મનોમન વિચારવા લાગ્યો કે, સાંજના એક વખતના જમવાના હજારો રૂપિયા રેસ્ટોરન્ટમાં ખર્ચ કરનારા એના જેવા હજારો લાખો માણસોની ભીડમાં સ્વાભિમાનથી કિ-ચેઇન વેચતી આ દીકરીને સત્યનિષ્ઠા, સ્વાભિમાન અને ખુમારીના પદાર્થપાઠ કોણે શીખવાડયા હશે ? નાના એવા આ પ્રસંગે રૂપેશને સ્વાભિમાન અને સંસ્કારના સમન્વયનો સરસ સાક્ષાત્કાર કરાવ્યો. ગરીબ પણ ખુદ્દાર, અભાવ છતાં સ્વાભિમાનનો સુંદર ભાવ, પેટ ખાલી પણ આત્મા તૃપ્ત એવી આ નાનકડી છોકરીમાં રૂપેશને હિન્દુસ્તાનની આવનારી પેઢીનું ઉજવળ પાસું દેખાયુ. રૂપેશનું હૃદય આનંદથી છલકાઈ ગયું.

કિ-ચેઇન વેચતી છોકરીના સ્વાભિમાનથી પ્રભાવિત રૂપેશને માત્ર ચોવીસ કલાકમાં જ બીજી એક એનાથી બિલકુલ વિપરીત તસવીર જોવાનો વારો આવ્યો. બીજા દિવસે મોર્નિંગવોકના નિત્યક્રમ અનુસાર રૂપેશ સવારે સાતના સુમારે ચાલવા નીકળ્યો હતો. ચાલતા ચાલતા રૂપેશે રસ્તાની બાજુમાં આવેલી એક નાનકડી દુકાન ઉપર ફૂટડા યુવાનોનું નાનકડું ટોળું જોયું. કુતૂહલવશ રૂપેશના પગ એ ટોળું જે દુકાન પાસે ઊભું હતું એ તરફ વળ્યા. નજીક જઈને રૂપેશે જોયું તો એ તમામ યુવાનો આઠમા નવમામાં ભણતા વિદ્યાર્થીઓ હતા અને બધા સ્કૂલ યુનિફોર્મમાં હતા.

છોકરાઓના એ ટોળામાંથી એક છોકરાએ સો રૂપિયાની નોટ દુકાનદારને આપી સિગરેટનું પેકેટ લીધું. સિગરેટના પેકેટમાંથી એણે ફટાફટ સિગરેટ નીકાળી બધા મિત્રોમાં વહેચી દીધી. પછી છોકરાઓએ વારાફરતી સિગરેટ સળગાવીને રોફથી મોંમાંથી ધુમાડો કાઢતા ઠઠ્ઠા મશ્કરી કરતા દુકાન પાસે ઊભા હતા.

રૂપેશે એક છોકરાના ખભે હાથ મૂકીને પ્રેમપૂર્વક કહ્યું, ‘બેટા, અભ્યાસ કરવાની તારી આ ઉંમર છે. આ પ્રકારનું સિગરેટનું વ્યસન ઠીક નથી. તારી તબિયત તો બગડશે અને ભણવામાં ચિત્ત નહીં ચોંટે. આ પૈસાનો તું સારા પુસ્તકો લેવા પાછળ ઉપયોગ ન કરી શકે ?’

પેલા છોકરાએ તિરસ્કારપૂર્વક રૂપેશ સામે જોઈને કહ્યું, ‘અંકલ, શું તમે મને ઓળખો છો ?’

રૂપેશે કહ્યું, ‘ના.’

ત્યારે પેલો છોકરો બોલ્યો, ‘શું તમે મારા સગા થાવ છો ?’

રૂપેશે કહ્યું, ‘ના. પણ એક અર્થમાં હા. તું મારા દેશનું ભવિષ્ય છે. તું મારા દીકરા જેવો છે એટલે તને આ વ્યસનથી દૂર રહેવાની સલાહ આપવાની હું મારી ફરજ સમજુ છું. આ પૈસાનો બીજી કોઇ સારી વસ્તુ પાછળ તું ઉપયોગ ન કરી શકે ?’

પેલા છોકરાએ કહ્યું, ‘અંકલ, બહુ થયું હો અંકલ. ભાષણ આપવાનું બંધ કરો અને તમે તમારું કામ કરો. સવાર સવારમાં મૂડ ખરાબ ન કરો.’

છોકરાનો જવાબ સાંભળીને રૂપેશ તો અવાક થઈ ગયો. એ સુનમૂન થઈને દુકાન પાસેના બાંકડા ઉપર બેસી ગયો. થોડીવારમાં પેલા બધા છોકરાઓ સ્કૂટર અને બાઈક ને કીક મારીને ફુરરર કરતાં ત્યાંથી રવાના થઈ ગયા. હવે દુકાનદાર અને રૂપેશ માત્ર બે જણા ત્યાં એકલા હતા. દુકાનદાર દુકાનની બહાર આવી રૂપેશની પાસે બાંકડે બેસીને બોલ્યો, ‘ભાઈ, આજકાલની યુવા જનરેશનને કશું કહેવા જેવું નથી. શરૂ શરૂમાં હું આ બાળકોને સિગરેટ ન આપતો. અને સમજાવતો પણ ખરો. પરંતુ પછી મેં જોયું કે મારી દુકાનેથી નહીં તો આગળ જઈને બીજી દુકાનેથી આ લોકો સિગરેટ લે છે. એટલે પછી હું પણ મૂંગા મ્હોએ આ તમાશા જોતો રહું છું.’

મોર્નિંગ વોક ભૂલી જઈને રૂપેશનું મન ચકરાવે ચડી ગયું. હજુ ગઈકાલે સ્વાભિમાનથી ભરેલી દીકરીની ઘટના એના માનસપટ ઉપર તાજી હતી અને આજની આ વ્યસનમાં ડૂબેલા યુવાનોની ઘટનાએ એને અંદરથી હચમચાવી નાખ્યો. આ બંને વિરોધાભાસી પ્રસંગો વચ્ચે એનું મન હિલોળા ખાતું હતું. દરેક જનરેશનની આગવી સોચ અને અનોખી દોડ હોય છે. ક્યાંક સોનેરી સૂરજની રૂપેરી કોર દેખાય છે તો ક્યાંક વ્યસનની ધૂળની ડમરીઓમાં વિખરાઈ જતું યૌવન હોય છે. ઘરના વડીલો અને શિક્ષકો તો બાળકોમાં સંસ્કાર સિંચવાનું કામ કરે જ છે. પરંતુ શું એકલું એ પર્યાપ્ત છે ખરૂ ? દરેક બાળકે એ વિચારવાનું રહે કે, એણે એના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચવા માટે કેવા મિત્રોનો હાથ પકડીને આગળ ચાલવું છે. કેવા પ્રકારના મિત્રોની સોબત રાખવી છે. પચીસેક વર્ષ સુધી આઠ કલાક અભ્યાસ કરવો છે કે પછી વ્યસન પાછળ સમય વ્યતીત કરીને પંચોતેર વર્ષ સુધી મજૂરી કરવી છે ? યાદ રહે દરેક યુવાને આ નિર્ણય યુવાનીના દિવસોમાં જ કરવાનો હોય છે. યુવાનીમાં તો શિખવાની જબરી હોંશ અને કંઇક કરી બતાવવાનુ અજબનુ જોશ હોય છે. આ જોશ અને હોશનો સમન્વય કરવાનો સમય યુવાનીનો છે. આજનું મૂલ્ય આજે નહીં સમજાય તો આવતીકાલે કદાચ બહુ મોડું થઈ ગયું હશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code