1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. બનાસ ડેરીના દામા સિમેન સેન્ટરના ડોઝ થકી હવે 90 ટકા માદા પશુઓનો થશે જન્મ
બનાસ ડેરીના દામા સિમેન સેન્ટરના ડોઝ થકી હવે 90 ટકા માદા પશુઓનો થશે જન્મ

બનાસ ડેરીના દામા સિમેન સેન્ટરના ડોઝ થકી હવે 90 ટકા માદા પશુઓનો થશે જન્મ

0
Social Share
  • બનાસ ડેરીના સિમેન સેન્ટરનું ગાંધીનગરથી મુખ્યમંત્રીએ વર્ચુઅલ લોકાર્પણ કર્યું
  • વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છેઃ મુખ્યમંત્રી,
  • બનાસકાંઠામાં દામા સિમેન સેન્ટર પશુપાલન ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશેઃ શંકર ચૌધરી

ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના ડીસા તાલુકાના દામા ગામે બનાસ ડેરીના પ્રયાસોથી સ્થાપવામાં આવેલા એક આધુનિક સીમેન પ્રોડક્શન યુનિટનું ગાંધીનગરથી વિડિયો કોન્ફરન્સ દ્વારા વર્ચુઅલ લોકાર્પણ કર્યુ હતું.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન  શંકરભાઈ ચૌધરી, જિલ્લાના ધારાસભ્ય સર્વશ્રી કેશાજી ઠાકોર, અનિકેતભાઈ ઠાકર, પ્રવીણભાઈ માળી અને સ્વરૂપજી ઠાકોર આ વર્ચુઅલ લોકાર્પણમાં સહભાગી થયા હતા. પશુપાલકો માટે ઉચ્ચ વંશાવળી ધરાવતા અને વધુ દૂધ આપતા પશુઓ પેદા કરવાના હેતુથી આ મેક ઇન ઇન્ડિયા સિમેન સેક્સ સોર્ટીંગ મશીનથી બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ થશે અને વધુ દૂધ ઉત્પાદન કરતા પશુઓ મળશે.

આ સિમેન સેન્ટરના ઉદ્દઘાટન પ્રસંગે વર્ચુઅલ સંબોધનમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિકસિત ભારતના નિર્માણમાં અન્નદાતાનું યોગદાન સૌથી મહત્વનું છે. ખેડૂતોના વિકાસ માટે રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર દ્વારા અનેક યોજનાઓ કાર્યરત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રીય ગોકુલ મિશનના માધ્યમથી ઉચ્ચ ગુણવત્તાયુક્ત પશુ ઓલાદો માટે મહારાષ્ટ્રથી સિમેન સેન્ટરનું કામગીરીની નવી ક્રાંતિની શરૂઆત કરી હતી. આજે ડીસાના દામા ખાતે જે સિમેન સેન્ટર કાર્યરત થઈ રહ્યું છે તેના કારણે પશુપાલકોને ખૂબ મોટો ફાયદો થશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ગુજરાતમાં શરૂ થયેલી પશુપાલનની અનેક યોજનાઓના પરિણામે આજે ગુજરાતના દૂધ ઉત્પાદનમાં 119.62 ટકાનો લાખ મેટ્રિક ટન વધારો થયો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે બનાસ ડેરીના અધ્યક્ષ  શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં ડેરીની વિકાસયાત્રા અવિરત ચાલી રહી છે તેની પ્રસંશા કરી હતી. બનાસ ડેરી દૂધ સાથે અન્ય પ્રોડક્ટોનું ઉત્પાદન કરીને દૂધના વ્યવ્સાયમાં નવી ક્રાંતિ લાવી છે તેને પણ મુખ્યમંત્રીએ બીરદાવી હતી.  સ્વચ્છતા, વૃક્ષારોપણ અને જળસંચયના કામો દ્વારા ગુજરાતને વિકસિત બનાવવામાં સૌના યોગદાનની અપેક્ષા પણ મુખ્યમંત્રીએ વ્યક્ત કરી હતી.

આ કાર્યક્રમને સંબોધન કરતા વિધાનસભાના અધ્યક્ષ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય બનાવટનું સૌપ્રથમ સિમેન સંયંત્ર સેન્ટરનું કામ થઈ રહ્યું છે. ખેડૂતો માટેનું આ ક્રાંતિકારી કામ છે. ભારતની NDDB એ બનાવેલા મેક ઇન ઇન્ડિયાના આ સંયંત્ર માટે હું NDDB ના વૈજ્ઞાનિકોનો પણ વિશેષ આભાર માનું છું. આજે આ સંયંત્રના કારણે ખેડૂતોને માત્ર સો રૂપિયામાં સિમેન ડોઝ મળી રહેશે. બનાસકાંઠા જિલ્લામાં 28 લાખથી વધુ પશુધન છે. જેનું સંવર્ધન ખૂબ જરૂરી છે. આજે આપણે ગાય ભેંસમાં સારી ઓલાદોના સિમેન તૈયાર કર્યા છે. જેના કારણે સારી ઓલાદના પશુઓ તૈયાર થશે અને દૂધની આવક વધશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા માટે બનાસ ડેરીએ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટમાં પણ સારા પરિણામ મેળવ્યા છે. ગુજરાતમાં આજે ભારતીય નસલની સારી પશુ ઓલાદો જન્મ લઈ રહી છે. જેના કારણે આપણા પશુપાલન ક્ષેત્રે પણ ક્રાંતિ આવી છે. આજે ગુજરાતનું સહકારી મોડલ અમુલના વૈશ્વિક સ્તરે વખાણ થઈ રહ્યા છે.

બનાસડેરી સંચાલિત દામા સિમેન પ્રોડક્શન યુનીટ 20 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. આ A-ગ્રેડના સીમેન સ્ટેશનમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ જેવીકે જીનોમીક્સ બ્રીડીંગ વેલ્યુ, પશુ દીઠ દૂધ ઉત્પાદન હરીફાઈ યોજના, પ્રોજેની ટેસ્ટીંગ, પેડિગ્રી સિલેક્શન પદ્ધતિઓનો અમલ કરીને શ્રેષ્ઠ રોગમુક્ત આખલા અને પાડા પસંદ કરવામાં આવ્યા છે. જેના થકી વાર્ષિક ૨૫ લાખ જેટલા ગુણવત્તાયુક્ત સીમેન ડોઝનું ઉત્પાદન થશે. આ નવી ટેકનોલોજી દ્વારા પશુપાલન ક્ષેત્રે બનાસ ડેરી આપણા વિસ્તારમાં ઐતિહાસિક ક્રાંતિ કરશે. “મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એન.ડી.ડી.બી. દ્વારા તૈયાર કરાયેલા ‘ગૌસોર્ટ ટેકનોલોજી’ આધારિત સ્વદેશી ‘સીમેન સેક્સ સોર્ટિંગ મશીન’ હવે દામા સીમેન સ્ટેશન ખાતે કાર્યરત છે.

બનાસકાંઠાના ડીસા ખાતેના સીમેન સેન્ટરના ઉદ્ઘાટનમાં બનાસ ડેરીના એમ.ડી. સંગ્રામભાઈ ચૌધરીએ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું. જ્યારે બનાસ ડેરીના ઈડી બ્રિગેડિયર વિનોદ બાજવાએ આભાર પ્રવચન કર્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code