
- રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન પહોંચ્યા,
- રાજીવ ગાંધી ભવન ખાતે દિવસ દરમિયાન બેઠકોનો દૌર ચાલશે,
- કોંગ્રેસના કાર્યકરોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
અમદાવાદઃ લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુ ગાંધી આજે અમદાવાદની બે દિવસીય મુલાકાતે આવી પહોંચતા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્વારા સરદાર પટેલ એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. રાહુલ ગાંધીની મુલાકાતથી કોંગ્રેસના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાહુલ ગાંધી આજે દિવસ દરમિયાન કોંગ્રેસના નેતાઓ, પદાધિકારીઓ, જિલ્લા-તાલુકાના પ્રમુખો સાથે બેઠકો યોજશે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બે દિવસીય ગુજરાત પ્રવાસે આજે આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર રાહુલ ગાંધીના સ્વાગત માટે પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, તેમજ શૈલેષ પરમાર, સિદ્ધાર્થ પટેલ, તેમજ સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. એરપોર્ટથી રાહુલ ગાંધી રાજીવ ગાંધી ભવન પહોંચ્યા હતા. કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન પર પણ મોટી સંખ્યામાં કાર્યકરોની ભીડ જામી હતી.
શહેરના પાલડી વિસ્તારમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે આજે રાહુલ ગાંધી સાંજના 7 વાગ્યા સુધી 5 મિટિંગ યોજશે. આમ 9 કલાકમાં તે કોંગ્રસના નેતાઓ અને કાર્યકરોને પણ મળશે. જેમાં તેમની સાથે ગ્રાઉન્ડ કનેક્ટથી લઈ હાલના રાજ્યના તથા પાર્ટીના આંતરિક પ્રશ્નો અંગે માહિતી મેળવશે. આમ પહેલીવાર કોંગ્રેસના કોઈ રાષ્ટ્રીય નેતા આખો દિવસ રાજીવ ગાંધી ભવનમાં જ બેસશે. ઉલ્લેખનીય છે કે, સાંજે 5 વાગ્યા બાદ નક્કી કરેલા હોદ્દેદારો અને વ્યક્તિઓ સાથે અલગથી બેઠક કરશે.
શક્તિસિંહ ગોહિલે કહ્યું કે સમાજમાં બદલાવ જરૂરી છે. સંગઠનમાં માટે કમિટીની રચના કરવામાં આવી છે. તેના રિપોર્ટને આધારે પરિવર્તન આવશે. કોંગ્રેસ પાર્ટી પોઝીટીવ એજન્ડા સાથે કાર્યો કરશે.