
- લાલ દરવાજા ટર્મિનલ પર ખસની ટટ્ટી લગાવાઈ
- અસહ્ય ગરમીથી પ્રવાસીઓને રાહત મળશે
- શહેરના અન્ય મ્યુનિ. બસ સ્ટેન્ડમાં ખસના પડદા લગાવાશે
અમદાવાદ: શહેરમાં તાપમાન વધતું જાય છે. અને એપ્રીલ-મેમાં રેકર્ડબ્રેક ગરમીની આગાહી કરવામાં આવી છે. ત્યારે એએમટીએસ દ્વારા ઉનાળાની ગરમીમાં પ્રવાસી શહેરીજનોને રાહત આપવામાં માટે લાલ દરવાજા મ્યુનિના મુખ્ય બસ ટર્મિનસ પર ખસની ટટ્ટી લગાવી છે. આથી બસ સ્ટેન્ડમાં બેઠેલા પ્રવાસીઓને ગરમીથી રાહત મળી રહી છે. આ પ્રયોગ સફળ થતા હવે અન્ય બસ સ્ટેન્ડો પર પણ આવી ખસની ટટ્ટી (પડદા) લગાવવામાં આવશે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (એએમટીએસ) દ્વારા લાલ દરવાજા બસ ટર્મિનલમાં પ્રવાસીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મ્યુનિના હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ગરમીમાં પ્રવાસીઓને રાહત આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટે લાલ દરવાજા ટર્મીનસ પ્લેટફોર્મ નં. 7 અને 8 પર ખસના પડદાં લગાવી ‘કુલ બસ સ્ટોપ’ બનાવવામાં આવ્યું છે. સૂકા ઘાસમાંથી બનેલા ખસના પડદાંનો ઉપયોગ કરીને બનાવેલા આ કુલ બસ સ્ટોપના કારણે બસ સ્ટોપમાં પ્રવાસીઓને રાહત મળે છે. આ કુલિંગ બસસ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યા દરરોજ 3,000 થી વધુ મુસાફરોની અવર-જવર રહે છે. અહીં, વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, મજૂરો, તથા અન્ય લોકો આ રૂટ પર મુસાફરી કરે છે. આ પહેલ માટે પ્રવાસીઓએ પ્રશાસનની પ્રસંશા કરી છે.
શહેરમાં એએમટીએસ બસ સેવાનો વધુને વધુ લોકો ઉપયોગ કરે તે દિશામાં આ મહત્વપૂર્ણ કદમ છે. આગામી સમયમાં શહેરના અન્ય મુખ્ય બસ સ્ટોપ પર પણ આ પ્રકારના કુલિંગ વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા છે. આ પહેલ અન્ય માટે પણ પ્રેરણારૂપ છે.