- પારિવારિક ઝઘડામાં બનેવીને પાંચમા માળેથી નીચે ફેંકતા મોત,
- શહેરના વાડજ વિસ્તારમાં રામાપીરના ટેકરા પાસે બન્યો બનાવ,
- પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા, સેક્ટર-3 ખાતે એક પારિવારિક ઝઘડામાં ભાઈબીજના દિને જ ભાઈઓએ પોતાના બનેવીને પાંચમા માળેથી નીચે ફેકતા બનેવીનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે, બોલાચાલી બાદ દીકરાને ઉપરથી ફેંકી દીધો હતો. હત્યાના આક્ષેપ મામલે પોલીસે આરોપીઓની અટકાયત કરીને ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના વાડજ વિસ્તારમાં આવેલા રામાપીરના ટેકરા ખાતે આવેલા સેક્ટર-3માં ભાવેશભાઈ મકવાણા (ઉ.વ. 32) રહેતાં હતા. ભાવેશભાઈ રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. દરમિયાન ભાવેશને તેની પત્ની સાથે પણ અણબનાવ બન્યો હતો. ગઈકાલે 23 ઓક્ટોબરને ભાઈબીજના દિને રાત્રિના સમયે જ્યારે ભાવેશ તેના ઘરે હતો. ત્યારે તેની પત્નીના ભાઈઓ આવ્યા હતા. અને ઝઘડા બાબતે ભાવેશભાઈની સાથે મારામારી કરવા લાગ્યા હતા. બોલાચાલી અને મારામારી બાદ ભાવેશભાઈને પાંચમાં માળેથી નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. જેથી તેઓનું ઘટના સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું હતું. આ મામલે વાડજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી અને વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક ભાવેશના પિતા બળદેવભાઈએ જણાવ્યું હતું કે, તેની પત્નીએ પગારમાંથી અમને એક રૂપિયો આપ્યો નથી અને કોને પૈસા આપે એ અમને ખબર નથી. ગઈકાલે ભાવેશના પત્નીના પરિવારજનો આવ્યા હતા. અમે તેમને બેસીને વાત કરવા માટે કહ્યું હતું, પરંતુ બોલાચાલી કરીને સીધો ભાવેશને ઉપરથી નીચે ફેંકી દીધો હતો. વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એન.ડાંગરે જણાવ્યું હતું કે, વાડજ રામાપીરના ટેકરાના સેક્ટર-3માં પારિવારિક ઝઘડામાં યુવકને માર મારવામાં આવ્યો અને ઉપરથી નીચે ફેંકી દેવાનો આક્ષેપ કરાયો છે. હાલ યુવકની હત્યા મામલે આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.


