
- સ્ટેડિયમ જવા માટે દર 8 મિનિટે મળશે મેટ્રો ટ્રેન
- સાબરમતી મેટ્રો સ્ટેશનથી શહેરના કોઈ પણ મેટ્રો સ્ટેશન જઈ શકાશે
- રાતે 10 વાગ્યા બાદ મેટ્રોમાં મુસાફરી માટે પેપર ટિકિટ લેવી પડશે
અમદાવાદઃ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આગામી તા.12મી ફેબ્રુઆરીને બુધવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી એક દિવસીય ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને GMRC એ મેચના દિવસે અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓને મધ્યરાત્રિના 12 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
તા. 12 ફેબ્રુઆરીના રોજ, અમદાવાદમાં (મોટેરાથી એપીએમસી અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ સુધી) મેટ્રો ટ્રેન દર 8 મિનિટે ઉપલબ્ધ રહેશે. રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12 વાગ્યા સુધીના લંબાયેલ સમય દરમ્યાન માત્ર મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકાશે અને ત્યાંથી અમદાવાદ ના કોઈ પણ મેટ્રો સ્ટેશન પર જઈ શકાશે.
મોટેરા સ્ટેશનથી છેલ્લી ટ્રેનનો ઉપડવાનો સમય મધ્યરાત્રિના 12 વાગ્યાનો રહેશે.રાત્રિના 10 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશન માં પ્રવેશ કરવા માટે માત્ર પેપર ટિકિટ લેવાની રહેશે કે જે આખા દિવસ દરમિયાન નિરાંત ક્રોસ રોડ, એપેરલ પાર્ક, કાલુપુર, ઓલ્ડ હાઇકોર્ટ, થલતેજ, મોટેરા, સાબરમતી, રાણીપ, વાડજ અને જીવરાજ મેટ્રો સ્ટેશનો પરથી તે દિવસે અગાઉથી ખરીદી શકાશે, જેથી પરત ફરતી વખતે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન ખાતે ટિકિટ માટે લાઇનમાં ઉભા રહેવાનું ટાળી શકાય.
મેટ્રો ટ્રેન ઓથોરિટીના જણાવ્યા મુજબ મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ રાબેતા મુજબ જ રહેશે. કિઓસ્ક, ટોકન વેન્ડિંગ મશીન, ટિકિટ કાઉન્ટર, મોબાઇલ એપથી અગાઉથી ખરીદેલી ટિકિટ (QR / TOKEN) રાત્રિના 10 વાગ્યા પછી લંબાયેલ સમય દરમ્યાન માન્ય રહેશે નહીં.